અમદાવાદ : અમદાવાદ શહેરના જોધપુર ચાર રસ્તા પાસે ગુરુવારે મોડી રાત્રે કારમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા એક ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક સ્થળ પર રવાના થઈ હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. કારમાં સવાર વ્યક્તિ બહાર નીકળી ગયો હતો. આગમાં કોઈ જાનહાની ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આગના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો અને એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ રાત્રે 10 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં મેસેજ આવ્યો હતો. કે, જોધપુર ગામ ચાર રસ્તા નજીક એક કારમાં આગ લાગી છે. જેના પગલે ફાયર બ્રિગેડની એક ગાડીને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યાં સુધીમાં કારના આગળના ભાગમાં આગ લાગી ચૂકી હતી અને એન્જિનમાં આગ લાગતા આખી કાર સળગવા લાગી હતી.
જોકે, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સ્થળ પર તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. આગ લાગતાની સાથે જ કારમાં સવાર વ્યક્તિ તાત્કાલિક બહાર નીકળી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.