અમદાવાદ : એકબાજુ 31મી ડિસેમ્બરને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શહેરીજનોને શાનમાં સમજાવવા માટે એક જાહેરાત કરી છે. હવે કોઈપણ વ્યક્તિ જો દારૂ પીધેલી ઝડપાશે અથવા દારૂ પીને વાહન ચલાવતી દેખાશે તો તેની ખેર નથી. આવા દારૂડિયાઓને પકડવા માટે પોલીસ આમ તો કામ કરતી હોય છે, પરંતુ હવે પોલીસને આ કામ કરવા બદલ ઈનામ પણ મળશે. જે પોલીસકર્મી આવો એક કેસ પકડી લાવશે તેને 200 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસકર્મીઓને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લીધો છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જે નીચે મુજબ છે 👇
શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 22, 2023
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકે એક જાહેરનામું બહાર પાડીને આદેશ કર્યો છે કે, શહેરમાં ચેકિંગ દરમિયાન જો કોઈ પણ કારચાલક દારૂ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ તેમાં ઉમેરવામાં આવ્યું છે કે, આવા કારચાલકને પકડનારા પોલીસ કર્મચારીને 200 રૂપિયા ઇનામ પેટે આપવામાં આવશે. નોંધનીય છે કે, આ નિર્ણયની ચર્ચા પોલીસ સહિત શહેરભરમાં થઈ રહી છે.
આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બર પહેલાં કડકમાં કડક દારૂબંધી થાય એ માટે આખું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આજે લેખિતમાં પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.