અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો. જોકે આ ચુકાદો વચગાળાની રાહત છે.
હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે, તેને ચૂંટણી લડતા અટકાવવો એ અધિકારોનું હનન છે. હાર્દિક પટેલે 2019માં એકવાર ચૂંટણી લડવાની તક ગુમાવી છે. હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તે કોઇ ગંભીર હત્યારો નથી, પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલને 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે વીસનગર રમખાણો મામલે કોર્ટે હાર્દિકને 2 વર્ષની સજા આપી હતી. હાલ હાર્દિક જામીન પર બહાર છે, પરંતુ દોષિત હોવાને કારણે તેઓ ચૂંટણી લડી શકે નહીં અને આજ કારણ છે કે હાર્દિક તેની સજા પર સ્ટે લાવવા માગે છે, જેથી તેઓ ચૂંટણી લડી શકે.