ગાંધીનગર : PM Modi એ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં દેશ અને દુનિયાના તમામ મોટા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સમિટનાં પ્રથમ દિવસે જ રાજ્યને મોટી ભેટ મળી ગઈ છે. રિલાયંસ ચેરમેન અંબાણીથી લઈને અદાણી-ટાટા-સુઝુકી સહિતનાં મોટા દિગ્ગજોએ ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જાણો કોણે શું જાહેરાત કરી?
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની હજીરામાં ભારતનો પ્રથમ અને વૈશ્વિક સ્તરનો કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે. તેમણે કહ્યું, “રિલાયન્સે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં રૂ.12 લાખ કરોડ કરતાં વધુનું રોકાણ કર્યું છે. આમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ રોકાણ એકલા ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે.” તેમણે કહ્યું કે રિલાયન્સ ગુજરાતને ગ્રીન એનર્જીમાં વૈશ્વિક લીડર બનાવવામાં યોગદાન આપશે.
મુકેશ અંબાણીએ કહ્યું, ‘રિલાયન્સે જામનગરમાં 5,000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. આનાથી મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે અને ગુજરાતને ગ્રીન પ્રોડક્ટ્સનું મુખ્ય નિકાસકાર બનવામાં મદદ મળશે.
અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ સમિટમાં રાજ્યમાં મોટા રોકાણનું એલાન કર્યું છે. ચેરમેને કહ્યું કે તેમના પોર્ટથી પાવર ગ્રુપ ગુજરાતમાં આવનારાં 5 વર્ષોમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશએ. આ રોકાણ રાજ્યમાં 1 લાખ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ જોબ ક્રિએટ કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ અલગ-અલગ સેક્ટર્સમાં કરવામાં આવ્યું છે જેનાથી 25 હજાર નોકરીની તકો ઊભી થઈ છે.
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં અમે સાણંદમાં 20 GWs લિથિયમ-આયન બેટરી માટે એક વિશાળ ગીગા ફેક્ટરી શરૂ કરશે. ધોલેરામાં પણ પૂરઝડપે કામ ચાલે છે. તેમણે ધોલેરામાં સેમિકન્ડક્ટર શરૂ કરવાનું વચન આપ્યું હતું જે 2024માં શરૂ થઈ જશે. માર્ચ 2024માં આ પ્રોજેક્ટ શરૂ થશે
આર્સેલર મિત્તલ ગ્રુપનાં એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે કંપની 2029 સુધીમાં ગુજરાતના હજીરામાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે,આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 24 મિલિયન ટન હશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.
સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે મારુતિ સુઝુકી ગુજરાતમાં તેનો બીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 10 લાખ યુનિટ હશે.
જેફરી ચુન, સીઈઓ, સિમ્મટેક, દક્ષિણ કોરિયાએ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાઓમાં મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે ગુજરાત રાજ્યમાં તેમના મુખ્ય ગ્રાહક માઇક્રોનના પ્રોજેક્ટને પગલે કો-લોકેશન રોકાણ તરીકે તેમના ભારત પ્રોજેક્ટ માટે આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદે કહ્યુ કે,”ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે, ત્રણ વર્ષમાં વધુ રોકાણ કરીશું, અમે કંડલા ખાતે 2 મિલિયન કન્ટેનરની ક્ષમતા સાથે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ બનાવીને ગુજરાતના અર્થતંત્રને ટેકો આપવાનું ચાલુ રાખીશું,”