અમદાવાદ : PM નરેન્દ્ર મોદી, મોરેશિયસ અને યુકેના વડાપ્રધાન 18 થી 21 એપ્રિલ સુધી અમદાવાદ આવવાના છે. જેની ગંભીરતાથી નોંધ લઈને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 18 એપ્રિલના બપોરના 2 વાગ્યાથી 21 એપ્રિલના રાતના 12 વાગ્યા સુધી જાહેરનામું બહાર પાડી અમદાવાદ શહેરને નો ડ્રોન ફલાય ઝોન જાહેર કર્યો છે. જેથી આ સમય ગાળા દરમિયાન અમદાવાદમાં રિમોટથી ઓપરેટ થતા કોઇ પણ પ્રકારના ડ્રોન ઉડાવી શકાશે નહીં.
આતંકવાદી સંગઠનો અને ભાંગ ફોડિયા તત્વો બોંબ ધડાકા તેમજ હુમલા કરવા માટે ડ્રોન અને ડ્રોન જેવા રિમોટ કંટ્રોલથી ઓપરેટ થતા ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી આ પ્રકારના ઉપકરણોનો મંજૂરી વગર ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે. પરંતુ અમદાવાદમાં 4 દિવસ માટે આવી રહેલા મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ 4 દિવસ માટે રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન, કવાડ ક્રોપ્ટર, પાવર્ડ એરક્રાફટ, માઈક્રો લાઈટ એરક્રાફટ, હેંગ ગ્લાઈડર – પેરાગ્લાઈડર સંપૂર્ણ પ્રતિબંધ લદાયો છે.