મહેમદાબાદ : દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસની ઉજવણી કરાશે ત્યારે મહેમદાવાદમાં આવેલું સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ પણ એક અનોખી પહેલ કરવા જઈ રહ્યું છે. ‘દીકરી દેવો ભવ’ના સૂત્રને સાર્થક કરતી પહેલ દ્વારા મહેમદાવાદ તાલુકાનાં 54 ગામડાંની 501 દીકરીને દત્તક લેવામાં આવશે.અને મંદિરના પ્રાંગણમાં 501 કન્યાનું પૂજન કરવામાં આવશે.
મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, 501 દીકરીનો આજીવન ખર્ચ ઉપાડી લેવામાં આવશે. સાથે સાથે તેમના અભ્યાસ ખર્ચથી લઈને તમામ ખર્ચ મંદિર ટ્રસ્ટ લેશે. સાથે સાથે આવનારા દિવસોમાં દીકરીઓને ઘરમાં કોઈ વ્યસન કરે તો કેવી રીતે અટકાવવા તે અંગેની તાલીમ પણ આપવામાં આવશે. મંદિરના પ્રાંગણમાં 501 કન્યાનું પૂજન કરવામાં આવશે.સાથે સાથે મંદિરમાં ત્રણ દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં આશરે 10 હજારથી વધારે ભક્તો દર્શનનો લાભ લેશે.
મંદિર ટ્રસ્ટ અનુસાર, પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિનું આપણા ઘરમાં સ્વાગત કરવું હોય તો તેનું પહેલાં પૂજન કરવું પડે, તે કારણથી મંદિરની હાજર તમામ કન્યાઓનું પૂજન કર્યા બાદ તેમને દત્તક લેવામાં આવશે. તમામ કન્યાઓને રામ પ્રભુની પ્રતિમા સ્વરૂપે ગોઠવણી કરીને નકશો તૈયાર કરવામાં આવશે તેમ જ તમામ દીકરીઓને શપથ લેવડાવવામાં આવશે કે ઘર, સમાજ કે સોસાયટીમાં કોઈ વ્યસન કરતું હશે તો તેને અટકાવીશું.