અમદાવાદ : 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં બહુપ્રતિક્ષિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમ પહેલા જ દેશના ખુણેખુણેથી રામ મંદિર સેવા ટ્રસ્ટને ભેટો પહોંચી રહી છે. શ્રીરામ મંદિર માટે ગુજરાતીઓએ અનેક ભેટ-સોગાદ મોકલાવી છે. અમદાવાદમાંથી નમસ્તે ગ્રૂપ દ્વારા પ્રસાદ વેન્ડિંગ મશીન બનાવાયું છે. જેવો કોઈ શ્રદ્ધાળુ આ મશીન આગળ હાથ ધરે એટલે તરત જ એના હાથમાં પ્રસાદનું પેકેટ મળી જાય.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અયોધ્યા ભગવાન શ્રી રામલલ્લાના મંદિરમાં ધ્વજ દંડ, નગારું, 108 ફુટ અગરબતી બાદ અમદાવાદના શાહ પરિવારે 20 પ્રસાદ વેન્ડીગ મશીન ભેટમાં આપ્યા છે. આ 20 પ્રસાદ વેન્ડીગ મશીન અયોધ્યા રામલલ્લા મંદિર પરિસરમાં મુકાશે. જેનાથી દેશ દુનિયામાંથી આવતા શ્રદ્ધાળુંઓને પ્રસાદ અપાશે. “નમસ્તેજી“ પ્રસાદ વેન્ડીંગ મશીન નામ આપવામાં અપાયું છે. ભગવાન શ્રીરામ તેમના ભક્તોને પ્રસાદ આપતા હોય તેવો અહોભાવ ઉભા કરાશે.અને સેન્સરના માધ્યમથી ઓટોમેટિક આ પ્રસાદ મશીન ચાલશે.
“નમસ્તેજી“ પ્રસાદ વેન્ડીંગ મશીન દ્વારા દર પાંચ સેકન્ડે એક પ્રસાદનું પાઉચ બહાર નિકળશે. આ વેન્ડીંગ મશીનની ખિસયતની વાત કરીએ તો 6 ફુટ ઉંચાઇ અને 3 ફુટ બાય ૨*૫ ફુટ મશીન સાઇઝ છે. પ્રસાદ મશીનમાં 1200 થી 1400 પ્રસાદ પેકેટની ક્ષમતા છે. રામ ભક્તોનાં ધસારાને ધ્યાનમાં રાખી વધુ મશીન પણ મુકાશે. હાલમાં 20 વેન્ડિંગ મશીન અમદાવાદથી અયોધ્યા મોકલાઈ રહ્યા છે.