ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું આ વખતેનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ વખતે રૂપિયા 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અમદાવાદ અને ગાંધીનગરને લઈને પણ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે. જે મુજબ, અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે. છેક ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને લંબાવવામાં આવનાર છે.
38.2 કિમી લાંબો બનશે રિવરફ્રન્ટ
આ બજેટમાં ગુજરાત ટુરિઝમના વિકાસ માટે અનેક મોટી જાહેરાતો કરાઈ છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની થશે. આ પ્રોજેકટના ફેઝ-1 માં 11.2 કિલોમીટરનું કામ પૂરું થયું છે, જ્યારે ફેઝ-2 માં 5.5 કિલોમીટરનું કામ ચાલુ છે. ફેઝ-3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-4 અને ફેઝ-5 અંતર્ગત રિવરફ્રન્ટ વિસ્તારનો ઇન્દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. આ બાદ રિવરફ્રન્ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થતાં તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.
ગિફ્ટ સિટી માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. 961 થી 3300 એકર વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ટ ગ્રીન સિટી વિકસાવવામાં આવશે. ગિફ્ટ સિટીને સપનાના શહેર તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત કરાશે. વાંક તું વર્ક ન્યુ વર્ક પ્લેક કોમ્યુનિટીની કલ્પના સહકાર થશે. ગિફ્ટ સિટી ખાતે ફિન ટેક હબની સ્થાપના કરવામાં આવશે, જેના માટે 52 કરોડની જોગવાઈ કરાઈ છે. ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ કરાઈ છે.