અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગીમાં અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટની દિશામાં આગળ વધી રહી છે ત્યારે હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં કેટલાંય સમયથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016માં રિડેવલપમેન્ટ પોલીસી લાવી છતાં 2016થી 2022 સુધી માત્ર આંગળીના વેઢે ગણાય શકાય તેટલી હાઉસીંગ કોલોનીઓ રિડેવલપમેન્ટ પોલીસી જોડાઈ હતી.પરંતુ છેલ્લાં 2022થી 2024 હાલમાં સુધી અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટ પોલીસી લાભ લઈ જોડાવવા તત્પર છે. એક બાજુ વર્તમાન હાઉસીંગ કોલોનીઓ રોડ, લાઈટ, પાણી, પાર્કિંગ સહિત અનેક પ્રશ્નોને લઈને હાઉસીંગ રહીશો રિડેવલપમેન્ટ પોલીસીમાં જોડાવવા તૈયાર હોય તેવું જણાય રહ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નારણપુરાના એકતા એપાર્ટમેન્ટ બાદ રિડેવલપમેન્ટ પોલીસી લાભ લેનાર નારણપુરાના રામેશ્વર એપાર્ટમેન્ટ, સુર્યા એપાર્ટમેન્ટ વી-3, 24-નિધિ એપાર્ટમેન્ટ, કિરણપાર્ક એપાર્ટમેન્ટ યોજનાઓ ડીમોલિશ થઈ ગઈ છે. જયારે પત્રકાર કોલોની, શાસ્ત્રીનગર એમ-5, સુર્યા એપાર્ટમેન્ટ વી-2 ના ત્રિપક્ષિય કરાર થઈ ગયા છે અને ટુંકમાં ખાલી થવાના આરે છે. જયારે અમર એપાર્ટમેન્ટ, સુરમ્ય એપાર્ટમેન્ટ, શાંતિ એપાર્ટમેન્ટ જેવી યોજનાઓ ત્રીપક્ષિય કરાર નજીક પહોંચી ગઈ છે. તો કેટલીક સોસાયટીઓમાં સંમતિ લેવાની પ્રક્રિયા ચાલતી હોવાનું પણ જાણવા મળ્યું છે.ઉપરાંત કેટલીક સોસાયટીઓના ટેન્ડર છાપામાં જાહેર કરાયા છે અને કેટલીક સોસાયટીના તૈયાર થઈ ગયા છે.આ ઉપરાંત અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટમાં જોડાવવા રહીશો માગણી કરી રહ્યા છે.
સાથે સાથે અનેક સોસાયટીઓ વર્તમાન રિડેવલપમેન્ટ પોલીસીમાં જોડાવવા તૈયાર નથી, અનેક લોકો વર્તમાન પોલીસીમાં 40 ટકા વધારે બાંધકામ કરતા હજુ પણ વધુ બાંધકામ મળે તેવી માગણી કરી રહ્યા છે, કયાંક આ સિવાય પણ અન્ય પણ માંગણીઓ થઈ રહી છે જેને લઈને અનેક હાઉસીંગ કોલોનીઓના આગેવાનો અને રહીશો વર્તમાન રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફાર કરવાની પણ માંગણી કરી રહ્યા છે અથવા તો ભવિષ્યમાં પોલીસીમાં ફેરફાર થશે એવું પણ ઈચ્છી રહ્યા છે ત્યારે સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ થાય છે કે ઉપરોક્ત 15 થી વધુ સોસાયટીઓ રિડેવલપમેન્ટ તરફ જઈ રહી છે ત્યારે ભવિષ્યમાં ગુજરાત સરકાર કે ગુજરાત હાઉસીંગ બોર્ડ વર્તમાન પોલીસીમાં ફેરફાર લાવે તેવી શક્યતાઓ કેટલી..? આગામી સમયમાં જો કોઈ ફેરફાર લાવે તો જે હાલમાં રિડેવલપમેન્ટમાં જઈ રહ્યાં છે એમને અન્યાય થશે ? આ સમગ્ર બાબતોનો વિચાર કરીને હવે હાઉસીંગના અનેક રહીશો મુંઝવણમાં છે તો અનેક રહીશો રિડેવલપમેન્ટ તરફ જવાનો અને નવા ઘરનો આશાવાદ સેવી રહ્યા છે.