અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર, નવા વાડજ સહિતની જુદી જુદી હાઉસિંગ વસાહતોના મકાનોના દસ્તાવેજ થકી રિડેવલપમેન્ટ સરળ બને તે માટે સરકાર દ્ધારા 100 ટકા વ્યાજ અને પેનલ્ટીની યોજના ચાલી રહી છે ત્યારે હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન દ્વારા જણાવાયું છે કે હાઉસીંગ રહીશો દ્વારા દસ્તાવેજ ના કરવાના મૂળ કારણોમાં આર્થિક તંગી, વધારાના બાંધકામનો તોતિંગ ચાર્જ, વહીવટ વધુ ચાર્જ, દરેક પાવર ઓફ એટર્ની અને ટ્રાન્સફરના મોટા ખર્ચ નાણાંકીય રીતે અને વારસદાર કે વારસાઈ સમસ્યા, લાભાર્થી તેમજ વારસદારો વિદેશ હોવાથી કે સંપર્ક વિહોણા હોવાથી તથા પારિવારિક તકરારોના કારણે પણ દસ્તાવેજ થતા નથી.
હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના જણાવ્યા મુજબ નીચે આપેલા મુદ્દાઓ પર વિચારણા કરી તેને પેકેજનો ભાગ બનાવવો જેથી હાઉસીંગ રહીશોના ખિસ્સાનું ભારણ ઘટતા દસ્તાવેજી કાર્યવાહી ઝડપી બનશે અને રિડેવલોપમેન્ટમાં પણ વેગ આવશે અને ચોક્કસ સમય અવધિનું આવું દસ્તાવેજ માટે પેકેજ આપવું જોઈએ.
1) વહીવટી ચાર્જ
જો કોઈ મકાનનો દસ્તાવેજ કરવાનો બાકી છે તેનો વાર્ષિક 1000 રૂપિયા વહીવટી ચાર્જ/ફાઈલ ચાર્જ લેવામાં આવે છે તેની જગ્યા એ ગમે તેટલા વર્ષ હોય પણ ફિક્સ ચાર્જ નક્કી કરી એક જ નાની રકમ રાખવી જોઈયે અને તે રકમ રૂ.1000/- સુધીમાં હોવી જોઈએ.
2) પાવર ઓફ એટર્ની
જો કોઈ મકાન જે તે મૂળ લાભાર્થી દ્વારા જે તે સમયે પાવર ઓફ એટર્ની દ્વારા અન્યને વેચાયેલા હોય તેવી એન્ટ્રી એક કે તેથી વધુ હોય તો પણ એક વાર ફિક્સ જ ચાર્જ લેવો અને તે પણ ફિક્સ કિંમત રૂ.2000/- સુધીની જ હોવી જોઈએ.
3) વધારાના બાંધકામ અને વપરાશ ચાર્જ
દસ્તાવેજ કરાવતા સમયે જો લાભાર્થી દ્વારા મકાન માં વધારે બાંધકામ કરેલ હોય અને વપરાશ કરતા હોય તો પણ મૂળ મકાનનો જ દસ્તાવેજ થાય છે માટે આવા વધારેલ ગમે તેટલો વિસ્તાર હોય પણ મકાનો માટે કેટેગરી મુજબ ફિક્સ ચાર્જ નક્કી કરી દસ્તાવેજ મૂળ પ્લાન મુજબ કરી આપવા જોઈએ.
ઈડબલ્યુએસ – રૂ.3000/-
એલઆઈજી – રૂ.5000/-
એમઆઈજી – રૂ.7000/-
એચઆઈજી – રૂ.10000/-
રિડેવલપમેન્ટ બાદ આ મકાનો તૂટી જવાના છે માટે હાલની મોટી રકમ ભરવી ગરીબ અને મધ્યમ વર્ગના રહીશોને પોષાય નહીં.ઉપરાંત તૂટવાના નક્કી જ છે તો આવી મોટી રકમ કોણ ભરે!
4) લાભાર્થી દ્વારા દસ્તાવેજ અરજી કરી જરૂરી બાકી નીકળતા લેણાંની રકમ ભરવામાં આવે ત્યારથી ચોક્કસ સમયમર્યાદામાં દસ્તાવેજ કરી આપવામાં આવે તેવી ઝડપી ગોઠવણ કરવામાં આવે.
ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાને લઈ ગુજરાતની હાઉસીંગ રહીશોના વિકાસ સાથે કલ્યાણને મહત્વ આપી સરકાર અને સંસ્થા દ્વારા યથા યોગ્ય નિર્ણયો ત્વરિત લેવામાં આવે તો રિડેવલપમેન્ટ ખૂબ ઝડપી બનશે.
ગુજરાત રાજ્યમાં વસતી હાઉસીંગની પ્રજાને સરકાર પર પૂરો ભરોસો છે, અને આવા સકારાત્મક પેકેજની આતુરતાથી રાહ જોઈ રહી છે.