અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટુંક સમયમાં જ કોંગ્રેસમાં જોડઈ શકે છે. મળતા અહેવાલ મુજબ ગઈકાલે નરેશ પટેલ દિલ્હી પહોંચ્યા હતાં અને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રશાંત કિશોર સહિત અન્ય કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. તેવામાં હવે ગમે તે ઘડીએ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત થઇ શકે છે.
હવે તેવામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશથી હાર્દિક પટેલનું કદ નાનું થઈ જશે અને તેને સાઈડ લાઈન પણ કરવામાં આવી શકે છે. આ શક્યતાને ધ્યાને રાખીને જ હાર્દિકે પ્લાન બી પર કામ કરવાનું ચાલું કરી દીધું હોય તેમ હાલમાં જ તેણે પીએમ મોદી અને ભાજપના વખાણ કર્યા હતા અને કોંગ્રેસની ટોચની નેતાગીરી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.
અહીં એ નોંધવું રહ્યું કે એક સમયે હાર્દિકે જ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું, અને ખૂલ્લો પત્ર પણ લખ્યો હતો. જોકે હવે નરેશ પટેલની એન્ટ્રી સાથે હાર્દિકની એક્ઝિટની શક્યતાઓ જોવાઈ રહી છે.