મહેસાણા : પ્રેમ લગ્ન કરતી દીકરીઓ અંગે કાયદો બનાવવા માટે મહેસાણો 84 કડવા પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર કારોબારી બેઠકમાં 84 કડવા પાટીદાર સમાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર પ્રેમ લગ્ન કરતી દીકરીઓ અંગે કાયદો બનાવવા સરકારને રજૂઆત કરવામાં આવશે. જે પ્રમાણે દીકરી ભાગી જાય તેવા સંજોગોમાં લગ્નની નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા સરકારને રજૂઆત કરાશે.
મહેસાણા જિલ્લામાં 84 કડવા પાટીદાર સમાજ બહુ મોટો છે અને તમામ સ્તરે સક્ષમ સમાજ માનવામાં આવે છે. આ 84 કડવા પાટીદાર સમાજે વર્ષો પહેલા પ્રેમલગ્ન સંબંધિત ઝુંબેશ આરંભાઈ હતી, જેને હવે ફરી શરૂ કરવામાં આવી છે. 84 કડવા પાટીદાર સમાજની કારોબારી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, જો દીકરી કોઈ લેભાગુ જોડે પ્રેમજાળમાં ફસાઈને ભાગી જાય તો પ્રેમલગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજીયાત કરવામાં આવે એવી સરકાર પાસે માંગણી કરાશે. તેમજ દીકરીના પ્રેમલગ્નમાં માતાપિતા સંમતિ ના આપે અને લગ્ન નોંધણીમાં સહી ના કરે તો આપોઆપ દીકરીનો મિલકતમાંથી હક નીકળી જાય.
પાટીદાર સમાજ દ્વારા આ પ્રકારે વ્હાલસોયી દીકરીઓનું જીવન બચાવવા નિર્ણયો કરવામાં આવ્યા છે. બેટી બચાવો અને બેટી પઢાવોની સરકારની ઝુંબેશને આ પ્રકારના નિર્ણયોના અમલીકરણથી તાકાત મળશે એવી આશા સાથે મહેસાણા જિલ્લા 84 કડવા પાટીદાર સમાજે ઝુંબેશ શરૂ કરી છે તેવું સમાજના પ્રમુખ જસુ પટેલે જણાવ્યું.