ગાંધીનગર : ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા એકબાજુ રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત થઇ રહી છે, તો બીજીબાજુ કોંગ્રેસ પાર્ટી તૂટી રહી છે. કોંગ્રેસ પાર્ટીને આજે બે મોટા ઝટકા લાગ્યા છે, સવારે અંબરીશ ડેર અને અત્યારે સાંજે અર્જૂન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અંબરીશ ડેરની સાથે ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા અર્જુન મોઢવાડિયા પણ રાજીનામુ આપી દીધું છે. મહત્વનું છે કે, આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના પ્રવાસ અંગેની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા આ મોટા નેતા અર્જુન મોઢવાડિયા હાજર હતા નહીં. જેના કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. ત્યારે અંબરીશ ડેરના રાજીનામાં બાદ તેઓ પણ રાજીનામુ આપવા માટે ગાંધીનગર રવાના થયા હતા અને વિધાનસભાના અધ્યક્ષ પાસે આ માટેનો સમય માંગ્યો હતો. જાણકારી મુજબ મોઢવાડિયાની સાથે વધુ 2 MLA કોંગ્રેસ સાથે છેડો ફાડશે.
ગુજરાતમાં કોંગ્રેસના જે ધારાસભ્યો બાકી રહ્યા હતા, તે પૈકીના અર્જુન મોઢવાડિયા સૌથી સિનિયર નેતા છે. ત્યારે અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસમાં રાજીનામાથી સીધો ફાયદો ભાજપને જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં જાતિનું જે સમીકરણ છે, મેર અને લેઉવા પાટિદારનું ત્યાં પ્રભુત્વ છે.એટલે જ સ્વાભાવિક રીતે જ જો અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવે તો પોરબંદરની જે બેઠક છે, કે જ્યાં મનસુખ માંડવિયા પહેલી વખત ચૂંટણી લડવા જઇ રહ્યા છે, તે બેઠક વન વે થવા સાથે હાઇએસ્ટ માર્જિન જોવા મળી શકે છે.