ગાંધીનગર : હાલ ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. કારણકે, એક સમયે ગુજરાત કોંગ્રેસના કેપ્ટન કે સેનાપતિ રહેલાં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહેલાં અને ભાજપ અને પ્રધાનમંત્રી મોદીનો સૌથી વધુ વિરોધ કરનાર અર્જૂન મોઢવાડિયા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે જ અમરેલી જિલ્લાના રાજુલાથી કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અંબરીષ ડેરે પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. જ્યારે જામનગરથી મૂળૂ કંડોરિયા પણ ભાજપમાં જોડાઈ ગયાં છે.
ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. મોઢવાડિયા અને અંબરીશ ડેરને ભાજપમાં જોડ્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સમારંભમાં કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યુ કે, ‘લોકોને મદદ કરવાની ભાવના માટેનુ પ્લેટફોર્મ મળે તે માટે તમે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઇ રહ્યા છે તે બદલ આપનું સ્વાગત છે.’વિકાસના નામે જીતાય નહિ એમ કહેનારા લોકોને પરિણામ સમયે ખ્યાલ આવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે. કમલમ પર આજે પાર્ટી જેવો માહોલ છે.
ભાજપમાં જોડાતાની સાથે અર્જૂન મોઢવાડિયાએ કહ્યુંકે, હું દાયકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યો પણ ત્યાં મને ગુંગળામણ થતી હતી. ત્યાં લોકહિતની કોઈ વાત થતી નથી. મને પ્રધાનમંત્રી મોદીની કાર્યશૈલીમાં શ્રદ્ધા છે. હું કોઈપણ લોભ, લાલચ કે શરત વિના ભાજપમાં એક સામાન્ય કાર્યકર તરીકે જોડાયો છું. હાઈકમાન્ડ મને જે જવાબદારી સોંપશે હું તે નિભાવીશ.
જ્યારે અંબરીષ ડેરે કહ્યુંકે, હું રાજકારણમાં લોકોની ભલાઈ માટે આવ્યો છું. મને લાગે છેકે, ભાજપમાં મને એ કામ કરવાની તક મળશે. હું પ્રધાનમંત્રી મોદીની કાર્ય પદ્ધતિ અને રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને જનહિત માટે રાષ્ટ્રહિત માટેની કાર્યો કરવા માટે ભાજપમાં જોડાઈ રહ્યો છું.