ગાંધીનગર : પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. PSIની ભરતીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. હવે વજન ધ્યાન પર નહીં લેવાય. આ સિવાય હવે 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે. જેમાં બે પેપર રહેશે. એક પેપર 200 માર્કનું અને MCQ આધારિત રહેશે. જ્યારે બીજું પેપર 100 માર્ક નું રહેશે. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.
અગાઉ એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા એફિડેવિટમાં સ્વીકાર કર્યો હતો કે રાજયના પોલીસ વિભાગમાં 21.3% જગ્યા ખાલી છે. જેનો આંકડો 27 હજાર જેટલો છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 04 હજાર જગ્યા ખાલી છે. 07 હજાર પોલીસ કર્મચારીની વર્ષ 2023-24 માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે,અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી.
સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા (1) શારીરિક કસોટી, (2) પ્રિલીમ પરીક્ષા તથા (3) મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે (1) શારીરિક કસોટી અને (2) મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે. પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહિ. 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે.ઉમેદવારો 2 પ્રશ્નપત્ર આપવાના રહેશે. જનરલ સ્ટડી અને ભાષાના પેપર આપવાના રહેશે.પાર્ટ A અને પાર્ટ B બે ભાગમાં પરીક્ષા રહેશે.દરેક ભાગમાં 40 ટકા ગુણ જરૂરી રહેશે.