કેવડીયા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગરની આઠમી ગર્વર્નિંગ બોડીની બેઠક ચેરમેન મુકેશ પુરીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાઇ હતી. જેમાં કર્મયોગીઓ અને પ્રવાસીઓના હીતમાં મહત્વપૂર્ણ નિર્ણયૉ લેવામાં આવ્યા છે. આ નિર્ણયોથી પ્રવાસીઓ અને કર્મયોગીઓમાં ખુશી છવાઇ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓના જૂથને, દિવ્યાંગ વ્યક્તિઓના જૂથને તેમજ સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓના જૂથને હવેથી ટિકિટના દરમાં 50 ટકા રાહત અપાશે. આ અંગે જારી પરિપત્ર અનુસાર (1) તમામ શાળા અને કૉલેજ (સરકારી અને ખાનગી બંને) દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો, (2) તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓના પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો તથા (3) તમામ સરકારી અને અર્ધસરકારી તાલીમ સંસ્થાઓ / કેન્દ્રોના શૈક્ષણિક તાલીમ પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો -ને સ્ટેચ્યુ ઑફ યુનિટી તથા વેલી ઑફ ફ્લાવર સોસાયટી દ્વારા સંચાલિત આકર્ષણો વગેરેની મુલાકાત માટે ટિકિટમાં 50 ટકાની રાહત મળશે. આ રાહતનો લાભ જે તે શાળા-કૉલેજ-સંસ્થાના ગ્રુપની સાથે આવતા સ્ટાફના સભ્યોને પણ મળશે.આઠમી ગર્વર્નિંગ બોડીની બેઠકમાં ગુજરાતના અગ્રસચિવ સર્વ અશ્વિનિ કુમાર, સંજીવકુમાર,સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ સહિતના સત્તામંડળના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સત્તામંડળની યાદી અનુસાર આ માટે ઑથોરિટીના બે પ્રોટોકલ અધિકારીઓ પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરોક્ત શ્રેણીમાં આવતી સંસ્થાઓએ ટિકિટના દરમાં 50 ટકા રાહત મેળવવા માટે નિર્ધારિત ફોર્મમાં અરજી કરવાની છે. (જૂઓ અહીં નમૂનો)
નિયત કરેલા ફોર્મમાં અરજી ઉપરાંત મુલાકાત લેનાર વિદ્યાર્થીઓ – સ્ટાફના સભ્યોના નામ આ રીતે ભરીને આપવાના રહેશે તેમ પણ સત્તામંડળની યાદીમાં જણાવવામાં આવ્યું છે.