ગાંધીનગર : રાજ્યની શાળાઓમાં તમે અનેક વાર શિક્ષકોને પાન મસાલા ખાતા જોયા જ હશે. જોકે હવે આ બાબતે આપણું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસનની વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. જે બાદમાં શાળાઓમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. જોકે હવે ખુદ શિક્ષણ વિભાગે આ બાબતે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન બાબતે મુખ્યમંત્રીને ફરિયાદ કરાઈ હતી, જેને પગલે વિદ્યાના ધામમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. શિક્ષણ વિભાગે પરિપત્રમાં જણાવ્યું છે કે, શાળાઓમાં શિક્ષકો કે આચાર્ય ખુલ્લેઆમ બાળકોની સમક્ષ તમાકુ કે મસાલા મસળીને ખાતા જોવા મળે છે, જેથી શિક્ષણના મદિરમાં બાળકોને જીવન ઘડતરના પાઠ શીખવવાના હોય છે ત્યાં વ્યસન કરવાના પાઠ ભણીને જાય છે, જે શિક્ષણ જગત માટે લાંછનીય બાબત છે.
શાળાની આસપાસના ચોક્કસ અંતરમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ છે છતાં સ્કૂલોની આસપાસ જ પાનની દુકાનો હોય છે. આ મુદ્દે ભૂતકાળમાં સ્વૈચ્છિક સંગઠનોએ સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરી હતી. સંસ્થાએ સ્કૂલની દીવાલની નજીકમાં જ પાનની દુકાન હોય તેવા ફોટો સાથે અમદાવાદના સ્થાનિક અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ હજુ આવી દુકાનો સામે કોઈ પણ પગલાં લેવાયાં નથી.