અંબાજી : શક્તિપીઠ અંબાજી લાખો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શન માટે આવે છે. પરંતુ અંબાજી આવતા ભક્તોનો સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગનો હોય છે. અંબાજીના વેપારીઓ દ્વારા પાર્કિંગના નામે થતી લૂંટથી સૌ કોઈ વાકેફ છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટે એક મોટો નિર્ણય કર્યો છે, જેના કારણે હવે અંબાજી આવતા દર્શનાર્થીઓને પાર્કિંગની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે દર્શને જવા દરમિયાન શ્રદ્ધાળુઓને વાહન પાર્ક કરવાની સમસ્યાઓ ના પડે એ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વાહન લઇને પહોંચતા જ ફાસ્ટ ટેગ આધારે જ પાર્કિંગના પૈસા કાપી લેવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ફાસ્ટ ટેગ ના હોય એવા વાહનને પણ સ્લીપ આપીને એ જ રેટથી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે.
ફાસ્ટ ટેગની સુવિધા શરુ કરવાને લઈ વાહન ચાલકોને વધારે ઓછા પૈસા ચૂકવવાની સમસ્યા નહીં રહે. દરેક કાર દીઠ અહીં 50 રુપિયા ફિક્સ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે હાલમાં શરુ કરવામાં આવેલ વાહન પાર્કિંગના સ્થળ પણ વધારવામાં આવશે. વાહનનું યોગ્ય પાર્કિંગ મળવાને લઈ હવે વાહનો પણ સલામત રહશે.
અંબાજી મંદિરમાં હાલે જે પાર્કિંગ શરૂ કરાયું તેમાં વધુમાં વધુ 80 વાહન પાર્ક કરી શકાય તેટલી મર્યાદા છે. પાર્કિંગમાં મુકેલા વાહનોને સંપૂર્ણ સુરક્ષા પણ રહે છે. કારણ કે પાર્કિંગને સંપૂર્ણ CCTVથી સજ્જ કરાયું છે. અંબાજી મંદિરમાં થોડા સમય પહેલા જ નિમણૂક કરાયેલા કાયમી વહીવટદાર અને અધિક કલેક્ટરના આ સારા નિર્ણયને સૌ કોઈ વખાણી રહ્યા છે.