અમદાવાદ: ગુજરાતમાં રિક્ષામાં બેઠેલા મુસાફરની નજર ચૂકવીને કિમતી સામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. ખાસ કરીને અમદાવાદમાં આ ગેંગ દ્વારા અનેક મુસાફરો ભોગ બન્યાં છે. ત્યારે ઝોન-1 ડીસીપી સ્કોર્ડે રીક્ષામાં મહિલા પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી કટર મારફતે ચેન કે કિંમતી વસ્તુઓ તોડીને ચોરી કરતી ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 2.94 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોને લૂંટનાર ગુનેગારોને પકડી પાડવા માટે ઝોન-1 ડીસીપી સ્કોર્ડેને સૂચના મળી હતી. શહેરમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી કિંમતી વસ્તુઓની ચોરીના બનાવો બનતા પોલીસ આરોપીને પકડવા માટે સક્રિય થઈ હતી. જેમાં ઝોન 1 ડીસીપી સ્કોર્ડને આરોપીઓ પકડવામાં સફળતા મળી છે. પોલીસે લાલા પટણી, પ્રકાશ પટણી, જીજ્ઞેશ મસ્કે, કનું પટણી નામના ચાર આરોપી ઓને ઝડપી તેમની પાસેથી એક રિક્ષા, બે સોનાની ચેન, પેન્ડલ, મોબાઈલ, રોકડ રકમ સહિત 2 લાખ 94 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઝોન-1 ડીસીપી સ્કોર્ડની પુછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે આરોપીઓ પેસેન્જરના સ્વાંગમાં જ રિક્ષામાં બેસતા હતા અને જે પણ મહિલા કે વૃદ્ધાએ સોનાની કિંમતી વસ્તુ પહેરેલી હોય તેઓને રીક્ષામાં બેસાડતા હતા. જે બાદ બેસતા નથી ફાવતું કે અન્ય કોઈ રીતે તેમને વિશ્વાસમાં લઈ કટર વડે તેમની ચેન કે મંગળસૂત્ર કાપી લેતા હતા. બાદમાં ગમે તે બહાને તેઓને અધવચ્ચે ઉતારી દેતા હતા અને ફરાર થઈ જતા હતા.
ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપીઓ પોલીસની પકડમાં ન આવે તે માટે રીક્ષામાં આગળની નંબર પ્લેટ પર લીંબુ મરચા જ્યારે પાછળની નંબર પ્લેટ પર ફૂલનો હાર લગાવી દેતા હતા. જેથી કોઈ વ્યક્તિ રીક્ષાનો નંબર જોઈ ન જાય અથવા તો સીસીટીવીમાં પણ નંબર દેખાય નહીં. પોલીસ પૂછપરછમાં અડાલજ પોલીસ સ્ટેશન અને નવરંગપુરા પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે આરોપીઓએ આ સિવાય અન્ય ગુના પણ આચર્યા હોવાની આશંકા છે. પ્રકાશ ઉર્ફે શૈલેષ આ ગેંગનો માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે.
શું સાવધાની રાખવી ??
રીક્ષામાં બેસો ત્યારે મોબાઈલ-પાકીટ સલામત જગ્યાએ રાખવા
રીક્ષામાં બેસો ત્યારે બહુ પૈસાદાર પાર્ટી હોવાનો દેખાડો કરવો નહિ
રીક્ષામાં બેસો ત્યારે ફોન પર રૂપિયાની લેતી દેતીની વાત કરવી નહિ
રિક્ષાની નંબર પ્લેટ, ચાલકનું નામ અને મોબાઈલ નંબર નોંધી લેવા
રીક્ષામાં બેસો પહેલા શક્ય હોય તો GPS લોકેશન ઓન રાખવું