અમદાવાદ : અમદાવાદમાં AMCના અધિકારી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. અમદાવાદના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો થયો છે. નોબલનગરના ધનશ્યામનગર ત્રણ રસ્તા પાસે દબાણ હટાવવા ગયેલ એસ્ટેટ વિભાગની ટીમ સાથે એક મહિલા સહિત ચાર લોકોએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો. માથાકૂટમાં લોકોએ દબાણની ટ્રકનો કાચ તોડી નાખ્યો હતો. પોલીસ આવતા ચારેય ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેકટરે ચારેય સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના સરદારનગરના નોબલનગરમાં રસ્તા ખુલ્લો કરાવવા દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન બળદગાડામાં એક મહિલા અને એક શખ્સ ફ્રુટનો ધંધો કરતા હતા. એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેકટર વિનયકુમારે તેમને ગાડુ હટાવવાનું કહેતા તેમને હટાવ્યુ ન હતુ.જે બાદ તેમનું ગાડુ જમા લઇને કાયદેસરની કાર્યવાહી એસ્ટેટ વિભાગમાં કર્મચારીઓ કરતા હતા. જેથી બંનેએ કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન દબાણ હટાવવાની ટ્રક જ્યાં પડી હતી ત્યાં અન્ય બે શખસો પથ્થરો મારીને ટ્રકનો કાચ તોડીને નાસી ગયા હતા.
આ ઘટનાની જાણ સરદારનગર પોલીસને થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ચારેય લોકો ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે સબ ઇન્સ્પેક્ટરે ચારેય સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં રૂકાવટ, મિલ્કતમાં નુકસાન સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.