અંબાજી : આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે.અંબાજીમાં ચૈત્રી નવરાત્રીને લઇને યાત્રાધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.અંબાજીમાં 9 એપ્રિલ થી 16 એપ્રિલ સુધી દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે 9 એપ્રિલે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પહેલા દિવસે સવારે 9:15 થી 9:45 સુધી અંબાજી મંદિરમાં ઘટસ્થાપના વિધિ કરાશે. અંબાજી મંદિરમાં કોટેશ્વર નદીનું જળ લાવીને શાસ્ત્રોક્ત વિધિવિધાનથી ઘટસ્થાપના કરાશે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન 16 એપ્રિલે ચૈત્રી આઠમની સવારે 6 કલાકે અંબાજી મંદિરમાં મંગળા આરતી કરવામાં આવશે. જ્યારે, 23 એપ્રિલે ચૈત્રી પૂનમે સવારે 6 કલાકે મંગળા આરતી અને અન્ય ધાર્મિક વિધિ યોજાશે. આરતીનો સમય સવારે 7 થી 7.30 વાગ્યે રહેશે. 7.30 થી 11.30 દર્શન માટેનો સમય રહેશે. બપોરે 12 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. બપોરે 12.30 થી 4.30 દર્શન કરી શકાશે, સાંજે 7.થી 7.30 વાગે આરતી રહે અને રાત્રે 7.30 થી 9 વાગ્યા સુધી દર્શનનો સમય રહેશે.
9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. નવરાત્રિ દરમિયાન, માતા રાણીના 9 અલગ-અલગ સ્વરૂપોની નવ દિવસ સુધી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે.