અમદાવાદ : અત્યાર સુધી તમે ગુનેગારો તો અનેક જોયા છે. મોટા ભાગના કિસ્સામાં મોજશોખ કે અન્ય બાબતો માટે કોઈ વ્યક્તિ ગુનાની રાહ પર ગયો હોવાનું જોવા મળ્યું છે. પરંતુ અમદાવાદ ઝોન 1 LCB સ્કોડે એક એવા ચોરની ધરપકડ કરી છે, જેણે ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે આઇફોન ખરીદ્યો હતો. આઇફોન ખરીદ્યા બાદ યુવક બેરોજગાર હોવાથી લોનના હપ્તા ભરવા માટે પૈસા નહોતા જેથી યુવકે શહેરના પોષ વિસ્તારમાંથી જુના મોડલના એકટીવા ચોરી કરવાનું શરૂ કર્યું હતુ. યુવકે પાંચ અલગ અલગ એકટીવા ચોરી કર્યા અને તે વેચવા જાય તે પહેલા જ પોલીસે યુવકની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેર ઝોન 1 LCB સ્કોડના PSI એચ.એચ જાડેજાની ટીમે બાતમીના આધારે એક્ટિવા ચોરી કરનાર હર્ષદ મકવાણા નામના 23 વર્ષના યુવકની પાંચ એક્ટિવા સાથે ધરપકડ કરી છે. જેમાં આરોપીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાંથી 3,વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાંથી 1 અને સોલા પોલીસ સ્ટેશનમાંથી 1 એક્ટિવાની ચોરી કરી છે. આરોપી એકટીવા ચોરી કરીને વેચે તે પહેલા જ પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ધરપકડથી ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા છે.
તમને જણાવી દઈએ કે પકડાયેલ આરોપી પહેલાં સામાન્ય જીવન જીવતો હતો. થોડાક સમય પહેલા સીએના ત્યાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.પરંતુ હાલમાં બેરોજગાર હોવાને કારણે ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા હપ્તેથી લીધેલ આઇફોન 15 હપ્તા ભરવાના પૈસા નહોતા જેથી આરોપીએ શહેરના એસ.જી હાઇવે પર પાર્ક કરેલા જૂના મોડલના એક્ટિવા ચોરી કરવાનું શરૂ કર્યું હતું. અલગ અલગ વિસ્તારમાંથી આરોપીએ 5 એક્ટિવા ચોરી કર્યાં હતાં.ચોરી કર્યા બાદ એક્ટિવા એક જગ્યાએ ભેગા કર્યા હતા.આરોપી એક્ટિવા વેચે તે પહેલા જ પોલીસે આરોપીને ઝડપી પાડયો છે.