ગાંધીનગર : ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટેગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે અમદાવાદ હિંમતનગર હાઈવે પરના ચિલોડા નજીકથી ટ્રકમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) ના અધિકારીઓએ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ, રોકડ રકમ, મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂ. 22,04,560 નો મુદ્દામાલ કબજે કરીને હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ હિંમતનગર હાઈવે પરના ધાનપ પાટીયા બ્રિજ પાસેથી દારૂ લઈને જતો ટ્રક અટકાવ્યો હતો. જેમાંથી પોલીસને રૂ, 1,83,160 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત રોકડ રકમ, બે મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂ. 22,04,560 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં પોલીસે હરિયાણાના માહુનખાન ડી. ખાન અને નઈમ ટી. ખાનની ધરપકડ કરી હતી.
જ્યારે દારૂનો જથ્થો મોકલનારા ફરીદ આમીન ખાન, હરીશ એ.ખાન, વોટ્સએપ પર દારૂ મંગાવનાર સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.તપાસમાં દારૂનો આ જથ્થો વોટ્સએપ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. એસએમસીના પી.આઈ આર.એસ.પટેલ તથા તેમની ટીમે આ કામગીરી બજાવી હતી.
અત્રે નોંધનીય છે કે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં અસંખ્ય સ્થળોએ દરોડાની કામગીરી કરી છે અને દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. તેમ છતાં સ્થાનિક પોલીસમાં જવાબદાર સામે પગલાં કાર્યવાહીમાં ઉચ્ચ અધિકારીઓ ઢીલાશ રાખી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.