ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. ગુજરાત બોર્ડ 10માં અને 12મા ધોરણના પરિણામ એપ્રિલના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. મળી રહી માહિતી મુજબ 29 એપ્રિલની આસપાસ પરિણામ આવી શકે છે. જે વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી છે તેઓના પરિણામ આડે હવે ગણતરીના દિવસો જ વધ્યા છે.
ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ એપ્રિલ મહિનામાં જાહેર થઈ શકે છે. જાણવા મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના અંતમાં જાહેર થઈ શકે છે. જ્યારે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં 12 સાયન્સનું પરિણામ પણ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. GSEB ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ Bseb.org પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકશે.
ગુજરાત બોર્ડની પરીક્ષાઓની કોપી ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે બોર્ડ પરિણામ જાહેર કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ, સામાન્ય રીતે ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામ મે મહિના સુધીમાં જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણીના શેડ્યૂલને કારણે બોર્ડના પરિણામ એક મહિના અગાઉ જાહેર કરવામાં આવશે. હાલ વિદ્યાર્થીઓના માર્ક્સની ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. એપ્રિલ મહિનામાં અંત સુધીમાં ડેટા એન્ટ્રી અને માર્કશીટ તૈયાર થઈ જશે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડની 10મી અને 12મી બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી લેવાઈ હતી જે 26મી માર્ચ સુધી ચાલી હતી. આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો છે. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થયા બાદ હવે પરિણામ જાહેર કરવા માટે ડેટા એન્ટ્રીની કામગીરી શરૂ કરવામાં આવી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થતાં જ ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.