અમદાવાદ : હાલમાં ગુજરાત બોર્ડની સ્કૂલોમાં પરીક્ષા પૂરી થયા બાદ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. જોકે અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલો નવા સત્રનો પ્રારંભ થાય તે પહેલા જ નવા વર્ષની ફીની ઉઘરાણી શરૂ કરી દીધી હોવાની અને ફી ભર્યા બાદ જ પરિણામ આપવાની રજૂઆતો DEOને કરવામાં આવી હતી. જેને લઈને અમદાવાદ શહેર DEO દ્વારા ખાનગી શાળાઓને પરિપત્ર કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ (DEO) તમામ ખાનગી શાળાઓને નિયમોનો પરિપત્ર મોકલ્યો છે. આ પરિપત્રમાં જણાવાયું કે, શાળાઓને કરાયેલ ફીના આદેશનું પાલન તમામે ચુસ્તપણે કરવાનુ રહેશે. સાથે જ શાળાઓ ફી નિયમનના કાયદા અનુસાર ફી કમિટી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તેના કરતા વધુ ફી નહિ લઈ શકે.આ સિવાય DEO દ્વારા શાળાઓને ઓર્ડર કરવામાં આવ્યો છે કે તેમણે ફી કમિટી દ્વારા શાળાની ફીના ઓર્ડરની નકલ વિદ્યાર્થીઓ અને વાલીઓ જોઈ શકે તેમ શાળાની બહાર નોટિસ બોર્ડ કે વેબસાઈટ પર લગાવવાની રહેશે. જો શાળા દ્વારા નક્કી કરાયેલ ફી કરતા વધુ ફી લેવામાં આવશે તો શાળાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
શાળાઓ નિયમ અનુસાર, શૈક્ષણિક સત્ર ચાલુ થાય ત્યાર બાદ જ ફી ઉઘરાવી શકે છે. તે પહેલા કોઈ પણ ફી શાળાઓ દ્વારા લેવામાં આવશે નહિ. જો કોઈ પણ શાળા આ બાબતનું ઉલ્લંઘન કરશે તો તેના પર દંડ થશે. તેમજ માન્યતા રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, કેટલીક શાળાઓ સામે રજૂઆતો મળ્યા બાદ તમામ સ્કૂલોને ઉદ્દેશીને પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ફી નિયમના કાયદાનું ચુસ્તપણે પાલન કરવા માટે તાકીદ કરાઈ છે.