ગાંધીનગર : ગુજરાતમાં પડી રહેલી આ કરી ગરમીમાં ગાંધીનગર લોકસભા બેઠકમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે અને તેમના તંત્રએ અત્યારથી જ કવાયત શરૂ કરી છે અને ગાંધીનગર શહેર જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તે માટે નવો અભિગમ અપનાવ્યો છે. ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલ રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણીના વેપારીઓ બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે, જેમાં ગાંધીનગર મહાનગરના મતદારો મતદાન કરીને રેસ્ટોરન્ટ, આઇસ્ક્રીમ પાર્લર અને ફરસાણની દુકાને પોતાનો મતદાન કર્યાનું કાળુ ટપકું બતાવી મતદારો લાભ મેળવી શકશે. ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીએ વેપારીઓની બેઠક બોલાવી વધારે મતદાન માટે સહયોગ આપવા અપીલ કરી હતી. હોટલ લીલા, હોટલ ફોર્ચ્યુન, કામધેનુ રેસ્ટોરન્ટ, રાધે સ્વીટ એન્ડ ફરસાણ, મીઠાઈ એન્ડ ફરસાણ એસોસિએશન, તૃપ્તિ આઈસ્ક્રીમ પાર્લર, વૈષ્ણવ પાણીપુરી સહિત 100 થી વધુ વેપારીઓ સહયોગ આપવા સહમતી બતાવી છે.
#Election2024 #LokSabhaElections2024 @CEOGujarat @infogujarat pic.twitter.com/9SIabbgi3P
— District Election Officer & Collector Gandhinagar (@CollectorGnr) April 26, 2024
જોકે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે અને ડેપ્યુટી કલેકટર અર્જુનસિંહ વણઝારા ની ટીમે ગાંધીનગર શહેર ઉપરાંત દહેગામ અને માણસાના વેપારીઓની એક મહત્વની બેઠક બોલાવી હતી જેમાં વહેપારીઓ લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી જેના સમર્થનમાં ગાંધીનગર શહેર ઉપરાંત દહેગામ અને માણસા તાલુકાના 100 થી વધુ વેપારીઓએ જિલ્લા કલેકટર ની આ અપીલને સ્વીકારી હતી અને 7 થી 30 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવા સહમતિ બતાવી હતી.
આગામી સમયમાં હજુ વધુ વેપારીઓ જોડાય એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ પણ લોકશાહીના પર્વને ઉજવવા માટે ઉત્સુકતાથી પોતે જોડાયા હોવાની વાત કરી રહ્યા છે. જૂનાગઢમાં પણ હોટેલ્સ અને રેસ્ટોરાં માલિકોનો મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. મતદાનની ટિક બતાવનારા મતદારોને 7 ટકા ડિસ્કાઉન્ટ મળશે. તેમજ જૂનાગઢની નાની મોટી 45 હોટેલ માલિકોએ મળી અભિયાન શરૂ કર્યું છે. હોટેલ મલિકોએ જીલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્વૈચ્છિક સંમતિ દર્શાવી હતી. 7 મી મે નાં દિવસે યોજાનાર મતદાનને લઈ જૂનાગઢનાં વેપારીઓ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઇ છે.