અમદાવાદ : મિર્ચી ન્યૂઝ દ્વારા આ અગાઉ પણ નારણપુરા, સોલા અને નવા વાડજની હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટને લઈને અનેક રિપોર્ટ દ્વારા લોકો સુધી વાસ્તવિક પરિસ્થતિ અને હાઉસીંગ રહીશોના વિવિધ પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ફરી એક વાર પોતાની સામાજીક જવાબદારી સમજી ઉપરોક્ત હાઉસીંગ વસાહતોની વાસ્તવિક પરિસ્થિતિ અને રહીશોની કફોડી હાલત માટે કોણ જવાબદાર વિશે ખાસ અહેવાલ લઈને આવ્યા છે.
આજની પરિસ્થિતિ જોતા નવા વાડજની હાઉસીંગ વસાહતોમાં મોટાભાગની વસાહતો 28થી 40 વર્ષ જુની છે.સરકારની રિડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 25 વર્ષ જુની વસાહતોનું રિડેવલપમેન્ટ થઈ શકે એમ છે, છતાં હાઉસીંગ બોર્ડના મોટાભાગના મકાનો જર્જરીત અને ખખડધજ હાલતમાં હોવા છતાં અત્યાર સુધીમાં ચાર-પાંચ હાઉસીંગ વસાહતોનું રિડેવલપમેન્ટનું કાર્ય પૂર્ણતાના આરે છે જયારે બાકીની ચાર-પાંચ સોસાયટીઓમાં રિડેવલમેન્ટનું કાર્ય પાઈપલાઈનમાં છે.હવે જો આ સ્પીડે રિડેવલપમેન્ટનું કાર્ય થતું રહેશે તો આગામી સમયમાં અમદાવાદમાં આવેલ 100 થી વધુ હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટનું કાર્ય કયારે શક્ય બનશે ?
વિગતવાર વાત કરીએ તો રિડેવલપમેન્ટમાં મુખ્ય પ્રશ્નોમાં વધારાના બાંધકામ, દસ્તાવેજ અને ગીફટ મનીનો છે. જેમાં તાજેતરમાં સરકાર દ્વારા સ્પેશ્યલ પેકેજ દ્વારા વધારાના બાંધકામ માટે પેનલ્ટી અને દસ્તાવેજ માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાવતા હાઉસીંગ રહીશો માટે આર્શિવાદ સાબિત થશે.
આ ઉપરાંત રિડેવલપમેન્ટમાં સૌથી મોટો પ્રશ્ન ગણીએ તો વધારાના બાંધકામનો છે, તમને જણાવી દઈએ કે મોટાભાગની સોસાયટીઓમાં વધારાના બાંધકામ થઈ ચુકયા છે, જેને કારણે મોટાભાગના લોકો હાઉસીંગ પોલીસી મુજબ મુળ બાંધકામના 40 ટકા વધુ સાથે સંમત ન હોવાનું જણાવી રહ્યા છે.કારણ કે મોટાભાગના લોકો વધારાના બાંધકામ સાથે 100 વાર જેટલું બાંધકામ ભોગવી રહ્યાં છે.જયારે રિડેવલપમેન્ટ બાદ તેઓનું બાંધકામ નાનું થઈ જાય છે.જેથી હાઉસીંગ પોલીસીમાં જો મહત્તમ 40 ટકાની બદલે જો લઘુત્તમ 40 ટકા કરવામાં આવે તો મોટા સમુહનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે.અને મોટી સંખ્યામાં હાઉસીંગ વસાહતો રિડેવલપમેન્ટમાં જોડાઈ શકે તેમ છે.
આ ઉપરાંત રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, સરકારની હાઉસીંગ પોલીસીમાં ગીફટ મનીનો કોઈ ઉલ્લેખ નથી, છતાં પણ કેટલીક જગ્યાએ બિલ્ડર અને રહીશોમાં અંદરખાને સમજૂતી મુજબ ગીફટ મની પણ ઓફર કરાયા છે, તો કયાંક ગીફટ મની આપવામાં આવેલ છે ત્યારે જો રહીશોને ગીફટ મની કે ફર્નીચર લેખે ચોક્કસ રકમ આપવામાં આવે તેવી કેટલીક જગ્યાએ માંગણીઓ પણ ઉઠી છે.