અમદાવાદ : ગુજરાતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ધમધમાટ અને વર્ષોવર્ષ જમીન-મકાનના વધતા ભાવો વચ્ચે જુની સોસાયટીઓના રિડેવલપમેન્ટનો ટ્રેન્ડ પુરજોશમાં છે. માત્ર અમદાવાદમાં જ છેલ્લા આઠ માસમાં ખાનગી 50 સોસાયટીનું રિડેવલપમેન્ટ ફાઈનલ થયુ છે અને 400 ખાનગી સોસાયટીઓમાં વાટાઘાટો ચાલુ છે.ત્યારે હાઉસીંગ બોર્ડની 50 થી વધુ સોસાયટીઓ પણ સરકારની રિડેવલપમેન્ટ પોલીસીમાં જોડાવવા ઈચ્છુંક હોવાનું હાઉસીંગ સુત્રો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016 માં રિડેવલપમેન્ટ પોલીસી લાવી છતાં 2016 થી 2022 સુધી માત્ર આંગળીના વેઢે ગણાય શકાય તેટલી હાઉસીંગ કોલોનીઓ રિડેવલપમેન્ટ પોલીસી જોડાઈ હતી.પરંતુ છેલ્લાં 2022 થી 2024 હાલમાં સુધી અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટ પોલીસી લાભ લઈ જોડાવવા તત્પર છે.એક બાજુ વર્તમાન હાઉસીંગ કોલોનીઓ રોડ, લાઈટ, પાણી, પાર્કિંગ સહિત અનેક પ્રશ્નોને લઈને હાઉસીંગ રહીશો રિડેવલપમેન્ટ પોલીસીમાં જોડાવવા તૈયાર હોય તેવું જણાય રહ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નારણપુરાના એકતા એપાર્ટમેન્ટ બાદ રિડેવલપમેન્ટ પોલીસી લાભ લેનાર નારણપુરાના રામેશ્વર એપાર્ટમેન્ટ, સુર્યા એપાર્ટમેન્ટ વી-3, 24-નિધિ એપાર્ટમેન્ટ, કિરણપાર્ક એપાર્ટમેન્ટ યોજનાઓ ડીમોલિશ થઈ ગઈ છે. જયારે પત્રકાર કોલોની, શાસ્ત્રીનગર એમ-5, સુર્યા એપાર્ટમેન્ટ વી-2 ના ત્રિપક્ષિય કરાર થઈ ગયા છે અને ટુંકમાં ખાલી થવાના આરે છે. જયારે અમર એપાર્ટમેન્ટ, સુરમ્ય એપાર્ટમેન્ટ, શાંતિ એપાર્ટમેન્ટ જેવી યોજનાઓ ત્રીપક્ષિય કરાર નજીક પહોંચી ગઈ છે. આ ઉપરાંત અનેક સોસાયટીઓમાં સંમતિ લેવાની પ્રક્રિયા ચાલતી હોવાનું પણ જાણવા મળ્યું છે.ઉપરાંત કેટલીક સોસાયટીઓના ટેન્ડર છાપામાં જાહેર કરાયા છે અને કેટલીક સોસાયટીના તૈયાર થઈ ગયા છે.આ ઉપરાંત અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટમાં જોડાવવા રહીશો માગણી કરી રહ્યા છે.
વધુમાં સૌથી અગત્યની વાત એ છે કે છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી રિડેવલપમેન્ટમાં જોડાનાર સોસાયટીઓ જેમ કે નારણપુરાના રામેશ્વર એપાર્ટમેન્ટ, સુર્યા એપાર્ટમેન્ટ વી-3, 24-નિધિ એપાર્ટમેન્ટ, કિરણપાર્ક એપાર્ટમેન્ટ યોજનાઓ ડીમોલિશ થઈ ગઈ છે, આ તમામ સોસાયટીઓમાં બિલ્ડર દ્વારા નિયમિત ભાડુ અપાઈ રહ્યું છે, ત્યારે તમને જણાવી દઈએ કે ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટમાં અનેક સોસાયટીઓમાં રહીશો ભાડા માટે બિલ્ડરની ઓફિસના ધક્કા ખાતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.આમ હાઉસીંગ બોર્ડની ઉપરોક્ત તમામ સોસાયટીઓમાં નિયમિત ભાડુ મળતું હોવાને કારણે લોકોને વિશ્વાસ બેઠો છે જેને કારણે બીજી અનેક સોસાયટીઓ જોડાવવા ઈચ્છુંક હોવાનું જાણવા મળ્યું છે.
રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે અમદાવાદને લાગેવળગે છે ત્યાં સુધી નવરંગપુરા, નારણપુરા, પાલડી, મેમનગર જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં જુની સોસાયટીઓ છે અને રિડેવલપમેન્ટની મોટી તક છે. વધુને વધુ સોસાયટીઓ રિડેવલપમેન્ટના માર્ગે આગળ ધપી રહી છે. પરીણામે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જુની સોસાયટીઓ છે અને રિડેવલપમેન્ટની મોટી તક છે. વધુને વધુ સોસાયટીઓ રિડેવલપમેન્ટના માર્ગે આગળ ધપી રહી છે. પરીણામે આ વિસ્તારોનાં જુના આવાસ-ફલેટની કિંમતોમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે.
હાઈકોર્ટનાં તાજેતરનાં ચુકાદાથી પ્રોજેકટો ઝડપથી આગળ ધપવા લાગ્યા છે. 75 ટકા ફલેટ માલીકો મંજુરી આપે તો રિડેવલપમેન્ટમાં અન્ય કોઈ અડચણ ન નાખી શકે તેવો ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે. આવતા વર્ષોમાં નવા ઘણા રિડેવલપમેન્ટ પ્રોજેકટ આકાર પામે તેવી શકયતા છે.