અમદાવાદ : તાજેતરમાં લોકસભાની ચુંટણીઓ સપન્ન થઈ છે ત્યારે હાઉસીંગ બોર્ડ ફરી હરકતમાં આવ્યું છે.આગામી દિવસોમાં શરૂ થનારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઇને ગુજરાત હાઉસિંગ બોર્ડે હજારો જર્જરિત હાઉસીંગ રહીશોને નોટિસ આપતા રહીશોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ અગાઉ પણ એપ્રિલ-2023માં ગુજરાતની 127 કોલોનીમાં સર્વેની કામગીરી હાથ ધરી હજારો રહીશોને મકાન રિપેર કરાવી લેવા અથવા તો ખાલી કરવાની નોટિસ આપી હતી.
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં હાઉસીંગ બોર્ડનાં મકાનો બનાવ્યાં હતાં. આ મકાનો દાયકાઓ જૂના થઇ ગયા હોવાથી અનેક કોલોનીનાં મકાનો જર્જરિત હાલતમાં મુકાયાં છે. જેના કારણે હાઉસીંગ બોર્ડનાં મકાનોના સ્લેબ, છતનો ભાગ કે અન્ય ભાગ તૂટી પડવાના સમાચારો અવારનવાર પ્રકાશમાં આવે છે. ત્યારે GHBએ વ્યક્તિગત રીતે ઘરેઘરે જઈને સર્વે કરીને કોલોનીના રહીશોને નોટિસ આપી છે. જેમાં જણાવાયું છે કે આવનાર ચોમાસા દરમ્યાન કોઈ દુર્ઘટના સર્જાય ન તે માટે મકાનો રિપેર કરાવી લો, નહીં તો અમારે તમારા મકાન ખાલી કરાવવાની ફરજ પડશે, આ અગાઉ પણ એપ્રિલ-2023માં પણ નોટીસો અપાઈ હતી, જેમાં કહેવાયું હતું કે રિડેવલપમેન્ટમાં જોડાવ અથવા મકાનો રિપેર કરાવી લો, નહીં તો અમારે તમારા મકાન ખાલી કરાવવાની ફરજ પડશે.
ગુજરાત હાઉસિંગ બોર્ડની નોટિસ મુજબ બોર્ડની અમદાવાદ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી જૂની અને પ્રાથમિક દૃષ્ટિએ જર્જરિત જણાતી યોજનાઓમાં બોર્ડના એક્ટ 1961ના ધી ગુજરાત હાઉસિંગ બોર્ડ એક્ટની કલમ 75 હેઠળ બોર્ડે રચેલા નિયમો પ્રમાણે એકવાર મકાન- ફ્લેટની સોંપણી લાભાર્થીને કરવામાં આવે છે, ત્યારબાદ મકાનોની આંતરિક ભાગની જાળવણી અને દેખરેખ અને જાળવણીની જવાબદારી લાભાર્થીઓ- એસોસિયેશનની જ રહે છે. જે વિગત આપના એસોસિયેશનની રચના સમય થયેલા બંધારણની જોગવાઇઓને સુસંગત છે.
જીડીસીઆર-2004 મુજબ બિલ્ડિંગ મેઇન્ટેનન્સ સમયાંતરે માલિક- કબજેદાર દ્વારા કરવાનું રહે છે. જીબીપીએમસી એક્ટ મુજબ સત્તાની રૂએ સ્થાનિક સત્તામંડળને જો આપની યોજના અત્યંત જર્જરિત અને ભયજનક જણાતી હોય તો તેઓને જાણ કરી તુરંત વસવાટ બંધ કરી શકે છે. જેથી આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇ દુર્ઘટના ટાળી શકાય. જે મુજબ આપના શહેરની આવાસ યોજના, સોસાયટીને જર્જરિત જાહેર કરવામાં આવે અથવા પ્રાથમિક દૃષ્ટિએ જર્જરિત જણાતી હોય, તેમ છતાં પણ વસવાટ બંધ કરવામાં નહીં આવે અને કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો તે અંગે જે તે રહેવાસીની અંગત જવાબદારી રહેશે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમદાવાદ તથા અન્ય શહેરોમાં હાઉસીંગના મકાનોમાં આજકાલ આવનાર ચોમાસાને ધ્યાને રાખી ઘરે ઘરે નોટિસ આપવામાં આવી રહી છે કે જે તે લાભાર્થી એ મકાન સમારકામ કરાવી લેવું અને ભયજનક હોય તો ખાલી કરી દેવું કે ઉતારી દેવું. વાસ્તવમાં વર્ષો જૂની કેટલીક હાઉસિંગ સોસાયટીઓના મકાનોમાં કેટલાક મકાન રીપેરીંગના અભાવે કે વર્ષોથી બંધ હાલતમાં હોવાથી ભયજનક થયેલા છે.
આમ ફરી એક વાર ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ચોમાસામાં ફરી કોઈ દૂઘર્ટના ન સર્જાય તેને લઈને નોટિસ આપતા હાઉસીંગના રહીશોમાં ફફડાટનું વાતાવરણ છે અને લોકોમાં ભારે ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે.