અંબાજી : અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ હવે ઘરે બેઠા પ્રસાદ મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ભક્તોના ઓનલાઈન ઓર્ડર કરવાથી અંબાજી ટ્રસ્ટ લોકોને ઘર બેઠા મોહનથાળ અને ચીક્કીનો પ્રસાદ મોકલે છે. વર્ષ 2024 ની શરૂઆતમા આ સુવિધા શરૂ કરવામા આવી હતી. ત્યારે હવે ટ્રસ્ટ દ્વારા આ સુવિધામાં વધુ એક ઉમેરો કરવામા આવ્યો છે. હવે મા અંબાને ચઢાવાતી ધજા પણ ભક્તો ઘર બેઠા મેળવી શકશે.
પ્રાપ્ત વિગતો મુજબ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે એક નવી પહેલ શરૂ કરી મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રસ્ટ દ્વારા કોઈ પણ જાતના પોસ્ટ કે કુરિયરનો ચાર્જ લીધા વગર માતાજીને ચઢાવેલી ધજા શ્રદ્ધાળુઓને ઘરે બેઠા પહોંચાડવાનું આયોજન કર્યું છે. બહાર રહેતા શ્રદ્ધાળુઓએ આ માટે અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટરના મોબાઈલ નંબર 9726086882 નંબર ઉપર સંપર્ક કરીને પોતાનું સરનામું નોંધાવવાનું રહેશે. ત્યાર બાદ મંદિર ટ્રસ્ટ પોતાના ખર્ચે માતાજીને ચઢાવેલી ધજા ભક્તને ઘરે બેઠા મોકલી દેશે. ભક્તો પોતાના ગામમાં કોઈ પણ મંદિરે તે ધજા ફરકાવીને માતાજીના આશીર્વાદ તે સમગ્ર ગામ ઉપર બનેલા રહે તેવા આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવુ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું છે.
તમને જણાવી દઈએ કે સેંકડો કિલોમીટર ચાલીને શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે ધજા લઈને આવતા હોય છે. આ ધજા હવે ગામે ગામ લહેરાય તેવો નિર્ણય અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યો છે. લાખો લોકો શ્રદ્ધા સ્વરૂપે પોતે લાવેલી ધજા માં અંબેના મંદિરના શિખરે ચઢાવતા હોય છે. તે ધજાને હવે પ્રસાદ અને આસ્થા સ્વરૂપે શ્રદ્ધાળુઓને વિનામૂલ્ય તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે.