અમદાવાદ : રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સચવાય તે માટે છેલ્લા એક મહિનાથી શહેર પોલીસ કાર્યરત છે. અમદાવાદ શહેરના DCP ઝોન 5 ટીમ દ્વારા તેમના વિસ્તારમાં ફરતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં DCP ઝોન 5ની ટીમ દ્વારા કુલ 146 રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રા અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે DCP ઝોન 5 માં આવતા રામોલ, અમરાઇવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ, રખિયાલ, ગોમતીપુર અને બાપુનગર જેવા વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યુ હતું. 8 પોલીસ સ્ટેશનના સ્ટાફે ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને વહેલી સવારે 4 વાગ્યાથી ઓપરેશન હાથ ધરીને કુલ 146 લોકોને રાઉન્ડ અપ કર્યા હતા.
આ ઉપરાંત આગામી રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેરમાં DCP ઝોન 5 ની ટીમ દ્વારા છેલ્લા 10 દિવસમાં હથિયાર સંબંધિત 54 જેટલા કેસો કરવામાં આવ્યા. પોલીસની ટીમ દ્વારા ઈપીકો કલમ 279 અને એમ.વી. એક્ટ 184 હેઠળ 49 જેટલા કેસો કરવામાં આવ્યા. ઝોન 5 પોલીસે 86 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા અને 2 જુગાર સંબંધિત કેસો પણ કરવામાં આવ્યા.
ઝોન-5 ની પોલીસે ગત 20 જુનથી 30 જુન દરમિયાન 54 લોકો સામે હથિયાર ધારાનાં ભંગ બદલ કાર્યવાહી કરી છે. જયારે આઈપીસી 279 અને એમવી એકટ હેઠળ 49, 6 તડીપાર લોકોને પકડ્યા, પ્રોહીબીશનના કુલ 24 કેસ કર્યા છે. જ્યારે એમ વી એકટ 207 મુજબ 7 કેસ અને ઈપીકો 283 મુજબ 2 કેસ કર્યા છે. પોલીસે કુલ 86 વાહનો ડીટેઈન કરીને જુગારના 2 કેસ કર્યા છે. આમ, છેલ્લા 10 દિવસમાં 23 તડીપાર અને 38 વોન્ડેટ આરોપીને પકડીને 24 બુટલેગરો સામે કાર્યવાહી કરી છે.