અમદાવાદ : અમદાવાદ ઝોન 1 ડીસીપીના LCB સ્કોડે વસ્ત્રાપુરમાંથી સ્પોર્ટ્સ બાઈક ચોરી કરતા બે આરોપીને ઝડપી પાડયા છે. આરોપીઓ પલ્સર બાઈકની ચોરી કરતા હતા. જોકે પોશ વિસ્તારમાંથી એક બાઈક ચોરીની ફરિયાદના આધારે આરોપીને પકડી તપાસ કરતા અનેક સ્પોર્ટ્સ બાઇકની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઝોન 1 LCB ની ટીમે કપિલ અહારી અને રમેશ ભગોરા નામનાં બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજસ્થાનનાં ડુંગરપુરના બન્ને રહેવાસી છે. વસ્ત્રાપુર વિસ્તારોમાંથી છેલ્લા થોડા સમયમાં અનેક સ્પોર્ટ્સ બાઈકની ચોરીઓ વધુ પ્રમાણમાં થઈ હતી, જેની તપાસ કરી રહેલી ઝોન 1 LCB એ કરતા સીસીટીવી ફુટેજ અને અન્ય માહિતાના આધારે કપિલ અહારી અને રમેશ ભગોરા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બંને પાસેથી મળી ચાર લાખથી વધુની કિંમતના 6 પલ્સર બાઈક અને એક ડીલક્ષ બાઈક કબજે કરી છે અને આ સ્પોર્ટસ બાઇક ચોરતી ગેંગનો વધુ એક સભ્ય હાલ ફરાર છે જેની શોધખોળ હાથ ધરાઈ છે.
પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે બંને આરોપીઓએ પોતાના મોજશોખ માટે સ્પોર્ટ્સ ચોરી કર્યા હતા, આ બંને આરોપીઓ જ્યારે પોતાના ગામ જાય છે ત્યારે આ સ્પોર્ટસ બાઇક જોડે લઈ જતા હોય છે અને ત્યાં પોતાના સમાજમાં અને વિસ્તારમાં રોફ જમાવતા તેમજ વિસ્તારમાં યુવતીઓને આકર્ષવા માટે પણ તેઓ સ્પોર્ટ્સ બાઈકનો ઉપયોગ કરતા હતા. આરોપીઓએ આ બાઈક ચોરી કરી અલગ અલગ જગ્યાઓ પર મુકી દેતા અને જરૂર પડે ત્યાંથી લઈ ફરતા હતા. આરોપીઓએ બાઈક ચોરી માટે એક કેબલ પણ બનાવ્યો હતો, જેનાથી બાઈકનું સ્ટેરીંગ લોક તોડી બાઈક ડાયરેક્ટ ચાલુ કરી ફરાર થઈ જતા હતા. આરોપીઓના ચોરી સમયના સીસીટીવી ફુટેજ પણ પોલીસને મળ્યા છે.
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી અલગ અલગ 6 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. જેમાં વસ્ત્રાપુર પોલીસ મથકમાં સ્પોર્ટ્સ બાઈક ચોરીના નોંધાયેલા પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે જ્યારે ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ મથકમાં પણ એક બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલી એક બાઈક નિવૃત પોલીસકર્મીના દિકરાની હોવાનું પણ સામે આવ્યું છે, તેમજ આરોપી કપિલ અહારી અગાઉ પોક્સોના ગુનામાં દોઢ વર્ષ જેલમાં રહી ચુક્યો હોવાનું ખુલ્યું છે. આ મામલે પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.