ગાંધીનગર : GMERS અંતર્ગત અભ્યાસ કરતા મેડીકલ વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર છે. રાજ્ય સરકારે GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. ગવર્નમેન્ટ ક્વોટોમાં 1.75 લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં 5 લાખનો ઘટાડો કર્યો છે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાં ગવર્નમેન્ટ ક્વોટામાં જાહેર કરેલી 5.50 લાખ ફીને બદલે હવે 3.75 લાખ જ્યારે મેનેજમેન્ટ ક્વોટોમાં જાહેર કરેલી 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી નો નિર્ણય કરાયો છે.
✅મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ આજે મળેલ કેબીનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો છે.
✅તદ્ અનુસાર ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે.
— Rushikesh Patel (@irushikeshpatel) July 16, 2024
આ અગાઉ GMERS અંતર્ગત આવતી મેડિકલ કોલેજોની ફી માં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. જેમાં ગવર્નમેન્ટ ક્વોટાની ફી રૂપિયા 3.30 લાખથી વધારીને 5.50 લાખ કરવામાં આવી હતી. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂપિયા 9.75 લાખથી વધારી રૂપિયા 17 લાખ કરવામાં આવી હતી. તો એનઆરઆઈ કોટાની ફી 22 હજાર ડોલરથી વધારી 25 હજાર ડોલર કરવામાં આવી હતી.
રાજ્યભરમાં GMERS કોલેજ દ્વારા ગવર્નમેન્ટ ક્વોટા અને મેનેજમેન્ટ કવોટામાં કરેલા અસહ્ય વધારાનો વિધાર્થીઓ, વાલીઓ, ગુજરાત મેડિકલ એસોસિયેશન, NSUI અને ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.