ગાંધીનગર : ગત 1 ઓગસ્ટના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ TDO(ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર) તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક અને તેના મળતીયા એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલ (ખાનગી વ્યક્તિ)ને રૂ.20 લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપ્યા હતા. આ સાથે તે અધિકારીના ઘરે તપાસ કરવામાં આવતા 73 લાખ રોકડા અને 4.5 લાખના સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. એક અધિકારીના ઘરેથી આખરે આટલી મોટી રકમ રોકડમાં ક્યાંથી આવી? સ્વાભાવિક છે કે, તે અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો હોય તો જ આટલી રકમ આવી હોય!
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવે આવા ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત થશે તેવું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરીને તેની હરાજી કરવામાં આવશે. વિગતો એવી પણ સામે આવી છે કે, ભ્રષ્ટ અધિકારી સામે સરકાર કાયદો લાવી શકે છે. નોંધનીય છે કે, અત્યારે આવા અધિકારીઓ સામે કાર્યવાહી થવી અનિવાર્ય છે. બાકી સામાન્ય લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઊઠી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં એવી ઘણી ઘટનાઓ બની છે, જેમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે અને તેમાં કોઈ કઠોળ કાર્યવાહી પણ કરવામાં નથી આવી. પરંતુ અત્યારે મુખ્યમંત્રી આકરા પગલા લેશે તેવું લાગી રહ્યું છે.
નોંધનીય છે કે, આગામી ચોમાસું સત્રમાં આ ભ્રષ્ટાચાર બાબતે બિલ રજુ કરાય તેવી શક્યતાઓ છે. મળતી વિગતો પ્રમાણે આ કાયદાને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક થઈ હોવાનું સામે આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગૃહ વિભાગની બેઠક યોજવામાં આવી છે. આગામી સત્રમાં આ કાયદા અંગે બીલ રજૂ કરવામાં આવશે તેવી શક્યતાઓ છે. જો આ બીલ આવી જશે તો ભ્રષ્ટાચાર સામે ગુજરાતમાં સારી રીતે લડી શકશે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરી શકાશે.