અમદાવાદ : છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરુ થઈ છે.ત્યારે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘમહેર જોવા મળી રહી છે. 11 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. શહેરના મણિનગર, વટવા, કઠવાડા, નિકોલ, એરપોર્ટ, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગોતા વંદે માતરમ રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ત્યારે પાણી ભરાવવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ કહ્યું કે, અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં અસ્થિરતા સર્જાતા વરસાદી માહોલ છવાયો છે. આગામી 24 કલાકમાં લો-પ્રેશર સાથે સંકળાયેલો મોન્સૂન ટ્રફ પણ નીચે આવશે, જેની અસર મધ્ય ગુજરાત સુધી થવાની શક્યતા છે. જેથી અમદાવાદમાં સાતમ, આઠમના દિવસે 5થી 7 ઇંચ વરસાદ પડવાની શકે છે.
જ્યારે સતત બીજા દિવસે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં પૂર્વમાં નરોડા, મેમ્કો જેવા વિસ્તારમાં અડધો કલાકમાં 2 ઈંચ વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. તો પશ્ચિમમાં ચાંદખેડા, ચાંદલોડિયા અને રાણીપમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.
11 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. મીઠાખળી અને પરિમલ અંડરપાસ વાહન- વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતો, જે પાણી ઉતરી જતાં વાહનોની અવરજવર માટે ફરી કાર્યરત કરવામાં આવ્યો છે.