અમદાવાદ : સરદાર પટેલ સ્ટેડિયમની પાછળ બનાવેલું ગરનાળું ખૂબ નીચું હોવા છતા તેની બહાર લોંખડના આડા એન્ગલ મારી દેવાતાં એક જ દિવસમાં 5 લોકોના માથા ફૂટી ગયા છે. છેલ્લા 7 દિવસમાં કુલ 15 લોકોના માથા ગરનાળાના પાઇપ સાથે અથડાયા હતા. આસપાસના લોકોએ અનેક વખત કોર્પોરેશન અને રેલવેને ફરિયાદ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શુક્રવારે ગરનાળામાંથી પસાર થતા રિયાઝ અલી પઠાણનું માથું લોખંડના પાઇપ સાથે અથડાતા 22 ટાંકા લેવા પડ્યા અને સિવિલમાં દાખલ કરવા પડ્યા છે. ગરનાળાની ઊંચાઇ માત્ર 4 ફૂટ 7 ઇંચ છે. થોડા દિવસથી ગરનાળાની બહાર 5 ફૂટ 4 ઇંચ લોખંડના આડા એંગલ મૂકાયા છે. પરતું ગરનાળાની અંદરથી પસાર થતો રસ્તો સીધો રાખવાને બદલે ઉંડો હોવાથી પસાર થતી વ્યક્તિ જો સહેજ પણ ગફલત રાખે તેનું માથું એન્ગલ સાથે અથડાય છે.
સ્થાનિકોની ફરિયાદ મુજબ રોજના ઓછામાં ઓછા 5 લોકોના માથા ગરનાળા સાથે અથડાય છે. ગરનાળું ઘણુ નીચું હોવાથી લોકો માથા નીચા ન કરે તો અથડાય છે. ગરનાળાની ઉપર ભયજનક હોવાનું નોટિસ બોર્ડ લગાવવું જરૂરી છે.એટલું જ નહીં ગરનાળાની બહાર નાખેલી લોખંડની એન્ગલોને તાત્કાલિક હટાવી લેવી જરૂરી છે.