અમદાવાદ : સામાન્ય રીતે પોલીસને જોઈને આપણે અલગ જ વિચાર મનમાં લાવીએ છીએ, પરંતુ પોલીસ પણ માણસ છે, તેઓની અંદર પણ જીવ માટેની દયા, માનવતા, લાગણી તમામ બાબતો હોય છે. એમાં પણ પોલીસ પરિવારમાંથી કોઈપણ વ્યક્તિની અણધારી વિદાય થાય તો સમગ્ર પોલીસ બેડામાં શોક ફેરવાઈ જાય છે. જોકે કોર્પોરેટ કંપનીઓની જેમ હવે પોલીસ વિભાગમાં પણ આવા સંજોગોમાં પોલીસ કર્મચારીઓ પણ પોતાની આવકમાંથી અમુક રકમ આપી કાળે મૃત્યુ પામનાર પોલીસ પરિવારના સભ્યના પરિવારને આર્થિક મદદ કરે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઝોન-5 હસ્તકના પોલીસ સ્ટેશન તેમજ વિશેષ કરીને ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કર્મચારી અને અધિકારીઓએ કુલ રૂપિયા 7,25,000 ની આર્થિક મદદ કરી છે. જે રકમ નાયબ પોલીસ કમિશનર ઝોન-5 બળદેવ દેસાઈના હસ્તે અરવિંદભાઈના ઘરે જઈ અને તેમના ધર્મપત્ની તેમજ તેમના પિતાજીને આપી હતી.ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ચનાભાઈ સોલંકીનું ગઈ તારીખ 27 એપ્રિલ 2024ના રોજ હૃદય રોગના કારણે અકાળે અવસાન થયુ હતું. જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન-5 બળદેવ દેસાઈ દ્વારા અરવિંદભાઈના પરિવારને શક્ય તેટલી આર્થિક મદદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
અરવિંદભાઈને એક જ પુત્ર હોય જે ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો હોય અને ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જય સોમનાથ સ્કૂલમાં અભ્યાસ કરતો હોય ખોખરા પીઆઇ એન.કે રબારી દ્વારા તે શાળાના ટ્રસ્ટીઓને મળીને સ્વર્ગવાસી અરવિંદભાઈના પુત્રને ધોરણ 12 સુધી અડધી ફી કરાવી આપેલ છે અને એ ફી ભરવાની જવાબદારી ખોખરા PI એન.કે રબારીએ લીધી છે. તદુપરાંત તેમના પરિવારને કંઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો એ આપવા માટે જણાવી પોલીસની માનવતા મહેકાવતી આવતી કામગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.