સાળંગપુર : સાળંગપુરધામમાં દર્શને આવતા ભક્તોની સગવડને ધ્યાનમાં રાખી 1000 થી વધુ રૂમનું અત્યાધુનિક વિશાળ શ્રી ગોપાળાનંદસ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન પવિત્ર કાળીચૌદશના શુભ દિને સવારે 7 કલાકે પરમ પૂજ્ય આચાર્યશ્રી સકેશપ્રસાદજી મહારાજ તથા શ્રી અમિત શાહ – માનનીય કેન્દ્રીય ગૃહ એવં સહકારીતા મંત્રી અને સંપ્રદાયના વડીલ સંતોના વરદ્ હસ્તે કરવામાં આવશે. રાજમહેલ જેવું આ યાત્રિક ભવનનું એલિવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે, જેની ડિઝાઇન 4-5 વાર બનાવ્યા પછી સંતોએ હાલની ડિઝાઇન ફાઈનલ કરી હતી. બિલ્ડિંગમાં પ્રવેશતાં જ ઇન-આઉટના બે રેમ્પ બનાવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની વિશેષતામાં દાદાના દરબારનું ઐતિહાસિક નજરાણું, ઇન્ડો રોમન સ્ટાઈલનું અદ્ભૂત નિર્માણ, 1000 થી વધારે રૂમ, 2500 કારનું વિશાળ પાર્કિંગ ધરાવતું 8 માળનું અત્યાધુનિક ભવન, 9,00,000 સ્કેવર ફીટથી વધારે બાંધકામ, 50,00,000 કીલો સ્ટીલનો ઉપયોગ, 2,25,000 લિટર પાણી સંગ્રહની ક્ષમતા, ગરમ પાણી માટે 9,000 લીટરનો હિટ પંપ, 42 આરઓ વોટર પોઈન્ટની સુવિધા, દરેક રુમમાં સૂર્યપ્રકાશ મળી રહે તેવી સુવિધા, ગ્રીન બીલ્ડીંગ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ, દરેક રૂમને બાલ્કની મળશે, 10 લીફટ, 6 સીડી, ફાયર સેફ્ટીની સુવિધા, રિસેપ્શન એરિયા: 12,500 સ્કવેર ફીટ, 75 ફીટ ઉંચાઈ અને 110 ફીટ પહોળાઈ , યાત્રિક ભવન લંબાઈ 611 ફીટ, પહોળાઈ 275 ફીટ, ઉંચાઈ 165 ફીટ તથા ઈન્ડિયન વેધર કન્ડિશન પ્રમાણે વિન્ડ ડિરેક્શનને ધ્યાનમાં રાખીને ભવનનું નિર્માણ કરાયું છે.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળગપુરધામ આયોજીત નૂતન શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ઉદ્ઘાટન સમારોહ તારીખ: 31 ઓક્ટોબરના સમય: સવારે 7 કલાકે યોજવામાં આવેલ છે તેમ શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી અથાણાવાળા (સાળંગપુરધામ) એ જણાવેલ છે.
ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં ઉતારુઓની સલામતી માટે 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલાં મુખ્ય ગેટથી પ્રવેશ કરી શકાશે નહીં. અહીંના વિશાળ પાર્કિંગમાં 2500થી વધુ કાર, 1 હજારથી વધુ દ્વિચક્રી વાહનો અને 50થી વધારે બસ પાર્ક કરી શકાશે.
આ બિલ્ડિંગમાં એસી રૂમનું ભાડું રૂમ દીઠ રૂ.1500 અને નૉન એસી રૂમનું ભાડું રૂમદીઠ રૂ.800 રહેશે. જેમાં એક રૂમમાં 4 સિંગલ બેડ અને એક ગાદલું, રજાઈ, ઓશિકું અને ખુરશી અપાશે. તો 45 સ્યુટ રૂમ દીઠ ભાડું રૂ.3 હજાર રહેશે, જેમાં દરેક રૂમમાં 4 સિંગલ બેડ, 1 ડબલ બેડ, ટેબલ-ખુરશી અને ફર્નિચર હશે. ઑનલાઇન બુકિંગ https://salangpurhanumanji.org/ વેબસાઇટ પરથી કરી શકાશે.