અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતા ગુનાખોરી વધી રહી હતી, જેને લઇને ગૃહ વિભાગના આદેશ બાદ પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. 5 દિવસના નાઈટ કોમ્બીંગ દરમિયાન પોલીસે વાહન ચેકીંગ, પ્રોહિબિશન કેસ,જુગારના કેસ,જૂના ગુનેગારો અને હિસ્ટ્રી સીટરોને તપાસ્યા હતા.પોલીસે 5 દિવસમાં 7425 મેમો આપીને 52.89 લાખના દંડની વસૂલાત કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગત 25 નવેમ્બરથી 29 નવેમ્બર દરમિયાન નાઈટ કોમ્બીંગ શરૂ કરવામાં આવ્યું હતી. 5 દિવસના કોમ્બીંગ દરમિયાન 82,508 વાહન ચેક કરવામાં આવ્યા હતા. 7425 વાહનચાલકોને મેમો આપીને 52,89,750 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો હતો. એમવી એક્ટ મુજબ 3,992 વાહન ડીટેન કરવામાં આવ્યા છે. 1016 પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા છે અને 16 જુગારના કેસ કરવામાં આવ્યા છે. મિલકત સંબંધિત આરોપી અંગે તપાસ કરવામાં આવી હતી, જેમાં 1228 આરોપીઓને તપાસવામાં આવ્યા હતા. દુષ્કર્મના અને જુગારના અગાઉના 349 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.
શહેરમાં 25 નવેમ્બરથી પોલીસે નાઈટ કોમ્બીંગ કર્યું હતું, જેમાં પોલીસ કમિશનર,જેસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ પણ હાજર રહી હતી. તમામ ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોમ્બીગ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.