અમદાવાદ: ગુજરાતમાં CNG ના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ 1.50 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. જેના કારણે ગુજરાતમાં CNG નો નવો ભાવ 77.76 રૂપિયા થઇ ગયો છે. નોંધનીય છે કે, ગુજરાત ગેસે વર્ષમાં ત્રીજીવાર ભાવમાં વધારો કર્યો છે. આ પહેલા ગત જુલાઈ, ઓગસ્ટ અને હવે ડિસેમ્બરમાં ભાવ વધારો કર્યો છે.નવો ભાવ વધારો આજથી અમલમાં રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત ગેસ તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે, ગુજરાત ગેસના CNG માં આજથી 1.50 રૂપિયાનો વધારો કરાયો છે. આજથી CNG નો ભાવ 77.76 રૂપિયા રહેશે. જોકે, દેશના અન્ય રાજ્યો કરતા આ ભાવ વધારા પછી પણ ગુજરાતમાં CNG નો ભાવ ઓછો છે.વર્ષ 2024માં ત્રીજીવાર CNG માં ભાવ વધારો થયો છે. આ પહેલા 24 જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ 1ના વધારાને પગલે થયો હતો. તાજેતરના વધારા સાથે, આ વર્ષે CNGના ભાવમાં કુલ 3.50નો વધારો થયો છે.
CNGની નવી વેચાણ કિંમત શનિવાર મધરાતથી જ અમલમાં આવી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચાર લાખથી વધુ CNG વાહન વપરાશકારોને કિંમતમાં ફેરફારની અસર થશે. સુરતમાં 60 જેટલા CNG પંપ કાર્યરત છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 250 પંપ કાર્યરત છે. ઓટો-રિક્ષા અને સ્કૂલ વાન CNG વપરાશનો મુખ્ય ભાગ છે. CNG ના ભાવમાં વધારાને પગલે, સ્કૂલ વાન દ્વારા ચાર્જમાં વધુ એક વધારો થવાની આશંકા છે. કારણ કે છેલ્લે જ્યારે સીએનજીના ભાવમાં વધારો થયો હતો ત્યારે વાન સંચાલકોએ તેમના ચાર્જમાં વધારો કર્યો હતો.
અન્ય રાજ્યોમાં પણ CNG ના ભાવમાં વધારો નોંધાયો છે. વધેલા ભાવની વાત કરીએ તો, દાદરાનગર હવેલીમાં CNG નો ભાવ 78.66 રૂપિયા છે. જ્યારે રાજસ્થાનમાં CNG નો ભાવ 82.31 રૂપિયા, હરિયાણામાં CNG નો ભાવ 86.55, મધ્યપ્રદેશમાં CNG નો ભાવ 93.01 રૂપિયા થઈ ગયો છે. તમામ નવા ભાવ આજથી લાગુ થઈ જશે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGPA) અનુસાર, આ ભાવમાં વધારો 4 લાખ CNG ઓટો-રિક્ષા અને 6 લાખ ફોર-વ્હીલર તેમજ જાહેર પરિવહન બસો સહિત અંદાજે 12 લાખ કોમર્શિયલ વાહનોને સીધી અસર કરશે.