અમદાવાદ: અમદાવાદમાં ફરીથી નશા અને રફ્તારના કહેરે બે યુવાનોના ભોગ લીધા છે. રવિવારે મોડી રાતે દહેગામથી નરોડા હાઈવે પર એક સફેદ રંગની કારે ડિવાઈડર કૂદાવીને રસ્તાની બીજી બાજુ પર ટુવ્હિલર પર જતા યુવાનોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યુ છે. સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે, આ કાર ચાલકે નશાની ચૂર હાલતમાં અકસ્માત સર્જ્યો છે. આ સમગ્ર કરૂણ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રવિવારે મોડી રાતે શહેરના દહેગામ નરોડા હાઇવે પર ગઈકાલે રાતના સમયે એક્ટિવ ઉપર બે યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ડિવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થરો કૂદીને રોંગ સાઈડ પર આવી હતી જેણે એક્ટિવા ચાલકોને ટક્કર મારી હતી. ક્રેટા કારની ટક્કરથી બંને એક્ટિવા ચાલકો પટકાયા હતા જેથી બંને યુવકોના સ્થળ પર જ મોત થયા હતા. આસપાસના લોકોએ ક્રેટા ગાડીના ડ્રાઇવર ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. ત્યારબાદ ગોપાલને પોલીસને સોંપી દીધો હતો.
બે યુવાનોનો કાળ બનીને આવેલી આ કારનો નંબર GJ-18-BN-5442 છે. જેના નંબર પરથી જાણી શકાય છે કે, આ કાર ગાંધીનગર પાસિંગની છે. માહિતી મળી રહી છે કે, આ કાર નરોડાનો રહેવાસી ગોપાલ પટેલ ચલાવતો હતો.ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ ચાલકને પકડી પાડ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે, આ કાર ચાલક નશામાં ચૂર હતો. હાલ, અકસ્માત બાદ મૃતદેહોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે આરોપી કાર ડ્રાઈવર ગોપાલ પટેલને પકડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં નશો કરી વાહન ચલાવનારને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે. સાત દિવસ પૂર્વે શહેરના બોપલ-આંબલી રોડ પર રિપલ પંચાલ નામના નબીરાએ નશો કરી અકસ્માત સર્જયો હતો. જેમાં સાતથી આઠ વાહનોને નુકસાન થયું હતું. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી. આ બનાવના ગણતરીના દિવસોમાં જ નરોડા-દહેગામ રોડ પર એક કારચાલકે નશો કરેલી હાલતમાં પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના મોત થતા પોલીસ કામગીરીને લઈ પણ સવાલ ઊઠ્યા છે.