અમદાવાદ : અમદાવાદીઓએ જન્મ-મરણના દાખલામાં સુધારા માટે ઝોનલ ઓફિસ કે ગીતા મંદિર આરોગ્ય ભવન સુધી ધક્કો નહીં ખાવો પડે. લોકો પોતાના વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં આવેલા જન્મ-મરણ વિભાગમાં જઈને સુધારા કરાવી શકશે.છેલ્લા કેટલાક સમયથી ગીતા મંદિર આરોગ્ય ભવન ખાતે જન્મ-મરણની કચેરી ખાતે સર્ટિફિકેટમાં સુધારા માટે લોકોને લાંબી લાઈનો લાગતી હોવાથી આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારી યોજનાઓ માટે કેવાયસી આવશ્યક બનાવાયું છે ત્યારે જન્મ અને મરણના સર્ટિફિકેટમાં કેટલાક સુધારા કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો જન્મ-મરણ નોંધણી કચેરી ખાતે આવી રહ્યા છે. જેને કારણે અહીં લાઇનો લાગી રહી છે. જોકે લોકો આ કામગીરી ઘરની નજીકમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર કરાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. તે માટે લોકોએ ઝોનલ ઓફિસ કે આરોગ્ય ભવન સુધી આવવાની જરૂરત નથી.
નોંધનીય છેકે, જન્મના સર્ટિફિકેટમાં બાળક, માતા અથવા પિતાના નામમાં સુધારો કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઝોનલ ઓફિસ કે આરોગ્ય ભવન ખાતે આવી રહ્યા છે. અત્યારે ધસારો વધારે જોવા મળતાં આરોગ્ય ભવન ખાતે પણ 8 વધારાના કર્મચારીઓને બેસાડી કામનો નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.