અમદાવાદ : કોઈ પણ કપલને પાડોશી રાજ્યમાં પણ ફરવા જવું હોય તો સૌથી પહેલા બજેટનો વિચાર કરવો પડે છે. માંડ રૂપિયા ભેગા થાય ત્યારે ફરવાનો પ્લાન બને છે. પરંતું અમદાવાદ મહાનગરપાલિકા પ્રજાના રૂપિયે કાઉન્સિલરોને ફરવા લઈ જવાનો પ્લાન બનાવ્યો છે. AMC પોતાના 191 કાઉન્સિલરોને જમ્મુ-કાશ્મીર ફરવા લઈ જશે. આ તમામ કોર્પોરેટરને ફરવા લઈ જવા માટે 2 કરોડનું બજેટ પાસ કરાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે, મહામહેનતે રૂપિયા કમાઈને લોકો ટેક્સ ભરે છે, અને આ ટેક્સનો ઉપયોગ લોકોની સુવિધાને બદલે કોર્પોરેટરને જલસા કરાવવા માટે થાય છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના 48 વોર્ડમાંથી ચૂંટાઈને કોર્પોરેટર બનેલા તમામ 191 કોર્પોરેટરોને શ્રીનગર ખાતે સ્ટડી ટુરમાં મોકલવાનો આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કરતા કહ્યું કે, કલમ 370ની કલમ રદ કરાયા પછી ડે-નાઈટ હોલ્ટ સાથે શહેરના કોર્પોરેટરોને શ્રીનગર ખાતે સ્ટડી ટૂરમાં મોકલવાની મંજૂરી અપાઈ છે.
અમદાવાદ કોર્પોરેશનના કાઉન્સિલરો જમ્મુ કાશ્મીર જશે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના કાઉન્સિલરો કાશ્મીર સ્ટડી ટુર માટે લઈ જવાશે. 18 ડિસેમ્બરથી તબક્કાવાર તમામ કાઉન્સિલરો કાશ્મીર લઈ જવાનો પ્રયાસ છે. રાત્રિ અને 6 દિવસનો કાશ્મીરનો પ્રવાસ રહેશે. 30-30ના ગ્રૂપમાં જશે. આ તમામ ખર્ચ એએમસી ઉપાડશે. જેના માટે કુલ 2 કરોડનું બજેટ ફાળવાયું છે.
એક જાગૃત નાગરિક જણાવે છે કે AMCના કોર્પોરેટરો પ્રજાના પૈસે જલસા જ કરાવવા માંગે છે. એક તરફ, અમદાવાદમાં રસ્તાઓના ઠેકાણા નથી. અમદાવાદમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સુવિધાના નામે મીંડું છે. આવામાં AMC કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે. સ્ટડી ટૂરના નામે AMC પોતાના કોર્પોરેટરોને કાશ્મીર ફરવા લઈ જશે. આ કાશ્મીર પ્રવાસમાં કોંગ્રેસના કોર્પોરેટર પણ હશે.
એક તરફ ટેક્સ ઉઘરાણી મામલે સીલિંગ કરાય છે, પ્રજા માટે ફ્લાવર-શોની ટિકિટ રૂ.25 સુધી મોંઘી કરી, ગંદકીને લઈને મસમોટા દંડ લેવામાં આવી રહ્યો છે, આ સિવાય અનેક પ્રકારના દંડ ફટકારવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ આવા તાયફા. આ બિનજરૂરી ખર્ચ કરવાની જરૂર નથી. આવા પ્રવાસના બદલે પ્રજાકીય કામોમાં ખર્ચ કરવો જોઈએ. કોંગ્રેસ કોર્પોરેટરો જશે કે નહીં એ મને ખબર નથી પણ તેઓ યોગ્ય નિર્ણય કરશે એવી આશા છે.