અમદાવાદ : અમદાવાદના સિંધુભવન રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગતરાત્રિ (20 ડિસેમ્બર)ના મેંગો રેસ્ટોરન્ટ પાસે રસ્તો ક્રોસ કરતી એક ઓડી કાર પાછળ બે બાઈક સવાર યુવકો ઘૂસ જતાં બન્ને ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. આ ઘટનામાં પોલીસે કારચાલકને ફરિયાદી બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સિંધુભવન રોડ પર 20 ડિસેમ્બરની રાત્રે 10:00 વાગ્યાના અરસામાં એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો, જે સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે. સિંધુભવન રોડ પર મેંગો રેસ્ટોરન્ટ પાસે રાજસ્થાન પાસિંગની RJ12 BS2427 બાઈક લઈને બે શખ્સો સ્પિડમાં આવી રહ્યાં હતા. જેમાં રસ્તો ક્રોસ કરતી GJ01 WP7233 નંબરની ઓડી કાર પાછળ આ બાઈક ઘૂસી ઘઈ હતી. આ અકસ્માતમાં બાઈકસવાર બન્ને યુવકને માથામાં ભાગે ઈજા થતાં તેઓ ત્યાં જ લોહીલુહાણ થઈને બેભાન થઈ ગયા હતા.
અકસ્માતને પગલે સ્થળે લોકો ભેગા થઈ ગયાં હતા. આ ગંભીર અકસ્માતમાં યુવકોની બાઈકનો બુકડો બોલી ગયો છે. જ્યારે કારમાં પણ મોટુ નુકસાન પહોંચ્યું છે. હાલ આ સંદર્ભ પોલીસે કારચાલકને ફરિયાદી બનાવી તપાસ હાથ ધરી છે.