અમદાવાદ : અમદાવાદમાં હોટલમાં ખાવા જતા પહેલા ચેતી જજો, એમાંય જો વેજિટેરિયન અને નોન-વેજિટેરિયન એમ બંને જમવાનું પીરસતી હોટલમાં જમવા જતા હો તો વિચાર કરજો, બોડકદેવમાં આવેલી બેલાસેન હોટલમાં ગ્રાહકને નોનવેજ પીરસી દેવામાં આવ્યું છે. જેમા ગ્રાહકને વેજિટેરિયનના બદલે નોનવેજ પીરસી દેવાતા ગ્રાહકે હોબાળો કર્યો હતો. તેમાં ગ્રાહકે મંગાવેલી પનીરની શબ્જીમાથી ચિકન નીકળ્યું હતું. તેથી ગ્રાહકે હોટલ મેનેજરને જાણ કરતા સ્ટાફના લોકોએ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 31મી ડિસેમ્બરે એક ગ્રુપના મિત્રો એકઠા થઇ એસજી હાઇવે પર બોડકદેવ, પકવાન ચાર રસ્તા નજીક આવેલી બેલાસેન બિસ્ટ્રો હોટલમાં જમવા માટે ગયા હતા. એમાં તેમણે અલગ અલગ પનીરની સબજી મગાવી હતી. 4 મિત્રો જૈન અને 1 મિત્ર સ્વામિનારાયણ ધર્મનું પાલન કરતા હતા. જમવાની જ્યારે શરૂઆત કરી ત્યારે સ્વામિનારાયણ ધર્મ પાળતા યુવકે તો જમવાનું પણ ચાલુ કરી દીધું હતું. પનીરને તોડીને ખાવાનો પ્રયત્ન કર્યો તો ચિકન જેવું લાગ્યું હતું, જેથી તેણે ડિશમાં કાઢીને જોતાં ચિકન નીકળ્યું હતું.
જોકે હોટલના સ્ત્તાવાળાઓ દ્વારા ઓનલાઇન વેજ ફુડને બદલે નોનવેજ ફૂડ આપી દેવાતા સનસનાટી મચી ગઇ હતી. આ બેદરકારી ઉઘાડી પાડયા બાદ સબંધિત ગ્રાહકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે સમગ્ર મામલે હોટલના મેનેજર અને તેના શેફને રજૂઆત કરી તો તેઓ દ્વારા માફી માગવાની જગ્યાએ તેમની સામે દાદાગીરી કરવા લાગ્યા હતા. મેનેજરને તેમના રસોડામાં અલગ રસોડું છે કે કેમ એ બતાવો એવું કહેતાં દાદાગીરી કરવા લાગ્યા હતા. આ બાબતે રકઝક કરી હતી.
જેના પગલે ગ્રાહકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી ત્યારે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા, જોકે ત્યાં કોઈ અધિકારી હાજર નહોતા, તેથી આ મામલે હવે તેઓ દ્વારા ફરિયાદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.