અમદાવાદ : ઉત્તરાયણ પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ જાહેર થયો છે. રાજ્યભરમાં કાચની દોરી એટલે કે કાચ પીવડાવેલી દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે ચાઈનીઝ દોરી, નાઈલોન દોરી પર પણ પ્રતિબંધના આદેશ આપવામાં આવ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરાયણના તહેવારમાં સરકારે પ્રતિબંધ કરેલી નુકસાન કરતી ચીજવસ્તુઓ બાબતે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં આ બાબતે 48 જેટલા કેસ કરવામાં આવ્યા હતા, જેમાં 49 જેટલા શખ્સોની અત્યારસુધીમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 97 ચાઈનીઝ દોરીની રીલ, 3 ચરખા સહિત 27,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઓનલાઇન ચાઈનીઝ દોરી કે તુક્કલનાં વેચાણ અંગે વોચ રાખવામાં આવશે. આ મિશનમાં 15 DCP, 19 ACP અને 86 PI નો ચુસ્ત બંદોબસ્ત રહેશે. તેમજ 291 PSI, 7840 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ અને 18 SRPની કંપની બંદોબસ્તમાં તૈનાત રહેશે.
ઉત્તરાયણના પવિત્ર પર્વમાં ચાઈનીઝ તેમજ કાચથી ભેળવેલી દોરીને કારણે દરવર્ષે હજારો અબોલ પશુ-પક્ષીઓ પોતાનો જીવ ગુમાવે છે તેમજ ચાઈનીઝ તુક્કલને કારણે પણ વિશાળ આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. એવામાં ગુજરાત સરકારે ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી અને કાચથી ભેળવેલી દોરી પર પ્રતિબંધ મુક્યો છે. આમ છતાં કેટલાક શખ્સો આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું.જેને કારણે પોલીસ દ્વારા આ બાબતે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.