અમદાવાદ : અમદાવાદ શહેરમાં દોડતી BRTS બસોના ડ્રાઈવરો વિરુધ્ધ 4 વર્ષમાં મુસાફરો દ્વારા 792 ફરિયાદ નોંધાવવામાં આવી છે. વર્ષ 2024માં છ મહિનાના સમયગાળામાં ડ્રાઈવરો વિરુધ્ધ અયોગ્ય રીતે બસ ચલાવવાની 85, ડ્રાઈવરો દ્વારા મુસાફરો સાથે ગેર વર્તણૂંકની 71 તેમજ પેસેન્જર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવા અંગેની 8 ફરિયાદ સહિત કુલ 174 ફરિયાદ કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જનમાર્ગ લી.દ્વારા શહેરમાં BRTS ની 250થી પણ વધુ બસ દોડાવવામાં આવે છે. આ બસોનું સંચાલન પ્રાઈવેટ કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવે છે. જનમાર્ગ લી.દ્વારા દોડાવવામા આવતી બસના મુસાફરો બસના ડ્રાઈવરની વર્તણૂંકથી લઈ અન્ય બાબતો અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરી શકે એ માટે જનમાર્ગ તરફથી ટોલ ફ્રી નંબર ઉપરાંત વોટસઅપ નંબર, જનમાર્ગ કંટ્રોલ નંબર તથા ઈ-મેઈલ આઈ.ડી.પણ આપવામાં આવેલા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના એક જાગૃત નાગરિક દ્વારા માંગેલી માહિતી બાદ જનમાર્ગ તરફથી આપવામા આવેલી વિગત મુજબ, પેસેન્જરને ઈજા, ડ્રાઈવરની ગેર વતર્ણૂંક, અયોગ્ય રીતે બસ ચલાવવી, દુર્વ્યવહાર કરવા જેવી ફરિયાદ મુસાફરો તરફથી કરવામા આવતી હોય છે.