અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સુકાન સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ ભારતીયોને લઈને યુએસ આર્મીનું વિમાન પંજાબના અમૃતસર પહોંચ્યુ હતું, ત્યાંથી 33 ગુજરાતીને ખાસ રીતે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. હવે ગુજરાત સરકારે ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓ સામે સખત થઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવ્યા હતા. જેમાંથી 16 બાંગ્લાદેશીઓને તેમના વતન ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. બોગસ ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવા મામલે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હજી પણ બાકી રહેલા લોકોને પરત બાંગ્લાદેશ મોકલવા કાર્યવાહી કરવામાં આવશે. ઝડપાયેલા આરોપીઓ ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા. આ અંગે ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધારે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારાઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા બાંગ્લાદેશીઓ પણ પકડાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ લોકોને નકલી ભારતીય દસ્તાવેજો સાથે પકડી પાડ્યા હતા. આ લોકો પર સગીરાઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાનો પણ આરોપ હતો. જોકે હવે બાકીના અન્ય ગેરકાયદે ઘૂણસખોરોને પણ તેમના દેશને સોંપી દેવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.