અમદાવાદ : અમદાવાદ ખાતે આવેલી ફૂડ ફોરેસ્ટ હોટલમાં ચાલી રહેલા જુગાર ધામ પર રેડ કરી 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હોટલના રૂમમા જ આ સમગ્ર જુગાર ધામ ઝડપાયો છે. સોલા પોલીસની સર્વલેન્સ સ્કોડની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદની ફૂડ ફોરેસ્ટ હોટલ ખાતે આ હાઇ પ્રોફાઇલ કેસ ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં કુલ 8 જેટલા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનને એસ.પી. રીંગ રોડ અને ગ્રીનવુડ પાર્ટી પ્લોટની આજુબાજુના વિસ્તારમાં કેટલાક લોકો જુગાર રમે છે એવી બાતમી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી.જે બાતમીને આધારે ફૂડ ફોરેસ્ટની રૂમમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમ્યાન રંગે હાથ આ તમામ આરોપીઓ ઝડપાયા હતા. રાત્રિ દરમ્યાન આ જુગાર ધામ ચાલતો હતો.ખાસ કરીને શહેરના નામચીન લોકો આ જુગારના કેસમાં ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. આ દરોડામાં અમદાવાદના અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો હોવાનું સામે આવ્યું છે.
તેમની પાસેથી પોલીસે દાવ પર પડેલા 7,630 રૂપિયા, અંગ જડતીના 3,05,000 રૂપિયા, કુલ 11 નંગ મોબાઈલ ફોન જેની કિંમત 4,15,000 રૂપિયા તથા ત્રણ ફોર વ્હીલર જેની કિંમત 28 લાખ રૂપિયા મળીને કુલ 35,27,630 રૂપિયાની રકમનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને કુલ 8 જેટલા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે.