અમદાવાદ : રાજ્યમાં નકલીઓના રાફડા વચ્ચે ફરી એકવાર અમદાવાદના નરોડા વિસ્તારમાં “થ્રી સ્ટાર હોસ્પિટલ એન્ડ ICU ટ્રોમા સેન્ટર” નામની એક નકલી હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો છે. આ અંગે વીમા કંપનીએ ગઠિયા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ હોસ્પિટલ સરકારી ચોપડે નોંધાયેલી ન હતી અને તેમાં ડિગ્રી વગરના ડોક્ટરો દર્દીઓની સારવાર કરતા હતા. હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલને પોલીસે દબોચી લીધો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વીમાકંપની પાસે ગત 20 માર્ચ 2024માં મેડિક્લેઇમ પોલિસીધારક દ્વારા ક્લેઇમ પાસ કરાવવા ફાઇલ આવી હતી. જેમાં નરોડામાં આવેલ થ્રી સ્ટાર હોસ્પિટલમાં ડો. મેહુલ સુતરીયા પાસે સારવાર લીધી હતી. જેથી તપાસ દરમિયાન વીમા કંપનીના કર્મીઓએ હોસ્પિટલમાં જઇને તપાસ કરતા કોઇ ડોકટર હાજર ન હતો. તેમજ સ્ટાફ પાસે દર્દીના કાગળો માંગતા ન હતા. જેથી ઇન્વેસ્ટિગેશન ઓફિસર તેજસ ગોરસીયાને શંકા જતા ડોકટર સંજય પટેલની દેખરેખ હેઠળ સારવાર મેળવી હોવાનું સામે આવ્યું હતું.
વીમા કંપનીઓની તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલના સંચાલકો દર્દીઓને ખોટી રીતે દાખલ કરીને મેડિક્લેઈમના નામે છેતરપિંડી કરતા હતા. તેઓ વીમા કંપનીઓને ખોટા દસ્તાવેજો રજૂ કરીને ક્લેઈમ પાસ કરાવતા હતા. વીમા કંપનીઓને શંકા જતા તેમણે તપાસ હાથ ધરી હતી, જેમાં આ નકલી હોસ્પિટલનો પર્દાફાશ થયો હતો.આ અંગે વીમા કંપનીએ ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે સંજય પટેલ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તેમજ ચાર ખોટા મેડિક્લેઇમ પાસ કરીને વીમા કંપની પાસેથી 2 લાખ પડાવી લીધા હતા. પોલીસે હોસ્પિટલમાંથી ખોટા પેપર, સિક્કા, ખોટા રિપોર્ટ અને સી ફોર્મ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. આ હોસ્પિટલ કેટલા સમયથી કાર્યરત હતી અને કેટલા દર્દીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાથી દર્દીઓના આરોગ્ય સાથે પણ ચેડાં થયા હોવાની શક્યતા છે. આ ઘટનાએ શહેરમાં ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલો અને ક્લિનિકો પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ ઘટનાએ આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉભા કર્યા છે.